નેહાબેનને પાંચ વરસ પહેલાનો સમય યાદ આવ્યો
‘શું કરું નેહાબેન, હવે તો આત્મહત્યા કરવાનું મન થાય છે, પણ આ નાના છોકરાં ગળે વળગે છે. બાકી આ ઘરથી ને આવા માણસોથી સાવ કંટાળી ગઈ છું.’ ઇશા આંસુ પાડતી પોતાની મનોવ્યથા નેહાબેન પાસે ઠાલવતી બોલી, ડરતી હોય એમ આસપાસ જોતી, હાથમાં એઠવાડનું વાસણ લઇ એ નેહાબેનના “કેમ છો?”ના જવાબમાં ઈશા રોઈ પડી.
‘આંખો દિવસ ઘરમાં આઠ જણાનું કામ રહે, ઘરમાં નણંદની સુવાવડનો ખાટલો ને
સાથે-સાથે સાસુ-નણંદના ટીકા-ટીપ્પણ સાથેના, ઓર્ડર, દિયરની સાપેક્ષમાં પતિ
ઓછું કમાય એ પોતાનો વાંક હોય એમ સાસુના મહેણાં-ટોણાં સાંભળવાના મોટા ઘરની
સફાઈ, દરેકને પોતાનો અલગ રૂમ, નવરા પડે એટલે બધા પોત-પોતાના રૂમમાં ! મારો
નાનો પાર્થ સમજે નહિ એટલે ભૂલમાંય કોઈના રૂમમાં જાય તો ‘ઈશા, આને લઇ લો,
તમારા તોફાનીને સંભાળો! આવો તોફાની છોકરો તો બાપના દુશ્મનને’ય ન દેજો’
સાસુમા મોટેથી બોલે ને નણંદ ટહુકે ‘ભાભી મારા છોકરાથી તો આઘો જ રાખજો, મારે
આવા તોફાની ના પોસાય!’ બધાનો ગુસ્સો ઠાલવવાનું ઠેકાણું હું અને મારા
છોકરા! વહુ થઈને આવી એટલે આ ઘરમાં ખાવામાં પણ અન્યાય!” નેહાબેન રડતી ઇશાની
સુકલકડી કાયા અને ઊંડી ઊતરી ગયેલી આંખો અને હાડકાને ચોંટી ગયેલી ચામડીને
જોતા એક વખતની સ્વરૂપવાન ઈશાને સાંભળી રહ્યા.
‘મારું ગ્રેજ્યુએશન સાવ એળે ગયું, પિયરમાં મારા પપ્પા હતા તો મારે બહુ
આશ્વાસન હતું બે’એક દિવસે એમના ફોનની રાહ રહેતી. પપ્પાના ગયા પછી પિયરનાં
દ્વાર પણ બંધ થઈ ગયા! મારું કોઈ ન રહ્યું. શું? હવે મારે આમ જ જિંદગી
જીવવાની ?’ પ્રશ્નાર્થ મૂકીને ઈશા એ રાતના અંધારામાં ડરની મારી એમના ઘરમાં
જતી રહી.
એ રાત્રે નેહાબેન ઊંઘી ન શક્યા. ઈશા જેવી ભણેલીગણેલી સુંદર દીકરીના
કરમાયેલા જીવન વિષે વિચારવા લાગ્યા. એમના મનમાં અનેક પ્રશ્ન ઊઠ્યાં શું આવા
જીવનનું કોઈ ભવિષ્ય ખરું? ઈશાને ઘરની ચાર દિવાલમાં જ કેદ રહેવાનું એમને
પોતાનો કોઈ આનંદ નહિ? આવી ફૂલ જેવી દીકરીને પ્રેમ વગરના પારકાઓનાં પગ તળે
કચડાયા કરવાનું? આવા તો કેટલાય લગ્નજીવનમાં ઈશા જેવા કુમળા છોડ રહેસાતા હોય
છે! અને જિંદગી ટુંકાવતા હોય છે… ઈશાને આશ્વાસનનાં બે શબ્દો પણ ન કહી
શક્યાનો અફસોસ કરતા નેહાબેન આવતીકાલની બપોરની રાહ જોવા લાગ્યા.
ઘરની બારીમાંથી બપોરના અઢી વાગ્યે ઈશા આ બાજુ એઠું નાખવા આવી ને નેહાબેન
બહાર નીકળ્યાં. રસ્તામાં લોકોની અવરજવર ઓછી હતી. એટલે કોઈ જોતું નથી તેની
ખાતરી કરી ધીમેથી ઈશાને કહ્યું ‘ઈશા તારા પપ્પા શું કરતા હતા?’ એટલું પૂછતા
તો ઉત્સાહથી ઈશા બોલવા લાગી ‘અરે એ તો બહુ મોટા જ્ઞાની માણસ હતા. કર્મકાંડ
કરી, નીતિનું ગરીબ જીવન જીવતા પરંતુ એમના સંસ્કાર, પ્રમાણિકતા અને સરળતાની
સુગંધ આસપાસના ગામડાઓમાં ફેલાયેલી હતી. એમના ગયા સાથે સર્વસ્વ જતું
રહ્યું. મારા ભાગ્ય જ એવા છે.’ ઈશાના મોં પર વેદના લીપાઈ ગઈ. નેહાબેન એમની
શિષ્ટ ભાષા સાંભળી પ્રભાવિત થયા. એમણે ઈશાને એક આશાકિરણ આપ્યું. પ્રેમથી
ઈશાને કહ્યું “ જો ઈશા તારા પપ્પા તારી સાથે જ છે, એ તારા લોહીમાં વહે છે,
તારા સંસ્કારમાં જીવે છે અને તારી ભાષામાં બોલે છે એટલે તું એક કામ કર…”
વાત ઝડપથી પતાવતા કહ્યું “તું તારા પપ્પાના વ્યક્તિત્વનું વર્ણન સમય મળે
ત્યારે એક કાગળમાં લખીને આપી દેજે…”
‘કેમ?’ એવો પ્રશ્નાર્થ ઇશાની આંખમાં ઝબક્યો પરંતુ તરત જ પપ્પા વિષે લખવાનો
આનંદ એમના ચહેરા પર છવાઇ ગયો. અનુભવી અને સ્ત્રીમાનસ અભ્યાસુ એવા નેહાબેને
ખાસ નોંધ કરી કે થોડીવાર પૂરતી ઈશાના ચહેરા પરની તંગ રેખાઓ ગાયબ થઇ ગઈ હતી,
ખેંચાયેલી ભૃકુટિની જગ્યાએ એમના ચહેરા પર આનંદની રેખાઓ દોરાઇ ગઈ હતી!
હવે નેહાબેનને બીજા દિવસની રાહ હતી પરંતુ આશ્ચર્ય સાથે રાત્રે જ ઈશા
પોતાના ઘર તરફ આવતી દેખાઈ રોજ કરતા ઈશાને હળવા ચહેરે જોઈ નેહાબેનને આનંદ
થયો. ઈશાએ ગરમકોટના ખિસ્સામાંથી એક ફૂલસ્કેપ કાગળ કાઢી નેહાબેનનાં હાથમાં
સરકાવતા બોલી ‘બહેન તમે આનું શું કરશો?’ જવાબમાં નેહાબેન માત્ર હસ્યાં
જોયું તો ઈશાએ સુંદર રીતે એમના પપ્પાનું વ્યક્તિચિત્ર શબ્દોમાં કંડાર્યું
હતું. સાહિત્યકાર હોવાને કારણે નેહાબેને ઇશાની લેખનશક્તિ પીછાણી અને વખાણી
પછી હજુ એકાદ વાર્તા અને કવિતા લખવા ઈશાને પ્રોત્સાહન આપ્યું, માતૃત્વભાવથી
લેખન માટે જરૂરી સુચના પણ આપી. બસ, પછી તો આ ઘટનાક્રમ ચાલતો રહ્યો.
નેહાબેન દ્વારા ઇશાની વાર્તાઓ-કવિતાઓ સામયિકો-છાપાઓમાં છપાતી રહી. ગઈકાલની
નિરાશ અને જિંદગીથી કંટાળેલી ઈશાને જીવવાની નવી દિશા મળી ગઈ, જિંદગીના
નકારને ભેદીને એ હકારમાં જીવવા લાગી. નિરુત્સાહી બનેલી ઈશા હવે ઝડપથી ઘરકામ
પતાવી ઉત્સાહથી ગમે તેમ કરીને સમય કાઢીને, કાગળ-પેન પકડી લેતી! એમના
વિચારપરિવર્તનથી ઘરના સભ્યો સાથે સંવાદિત વાતવરણ ઊભું થવા લાગ્યું. ઈશાના
લખાણો વાંચીને ઈશાને માનથી જોવા લાગ્યા એટલું જ નહી પણ ઈશાના કામની પણ કદર
કરતા થયા. આજે નેહા તેમની એક વાર્તાની પહેલી વિજેતા હતી. નાના શહેરમાંથી
એમના પરિવાર સાથે મોટા શહેરમાં યોજાયેલા ઇનામ મહોત્સવમાં આમંત્રિત હતી
ત્યારે તાલીઓના ગડગડાટ વચ્ચે નેહાબેનને પાંચ વર્ષ પહેલાની ઈશા યાદ આવી ગઈ
હતી.
ઇનામ સ્વીકારતી વખતે ઈશાએ જાહેરમાં નેહાબેનને પોતાના નવા જન્મદાત્રી, માર્ગદર્શક અને ઇનામના સાચા હકદાર ગણાવ્યા હતા.
‘મેં ઈશા માટે કશું જ કર્યું નથી, એમના લેખનકૌશલ્યને જગાવીને માત્ર યોગ્ય
દિશા સૂચન કર્યું છે. ઈશા પોતે જ પોતાની ભાગ્યવિધાતા છે. મહેનત અને લગનથી
ઈશાએ એમની ભાગ્યરેખા બદલી નાખી છે.’ લોકોએ નેહાબેનના શબ્દોને તાળીઓથી વધાવી
લીધા.
ઈશાના આત્મહત્યા તરફના વિચારોને આત્મખોજ તરફ વાળવાનું નેહાબેનનું સપનું
પૂરું થયું. એક મુરઝાયેલી જિંદગીને નવી સુગંધ આપવાના સંતોષ સાથે નેહાબેન
ઈશાને ભેટી પડ્યા ત્યારે પોતાની સાથે બીજાની જિંદગીને નિખારવાના સંકલ્પ
સાથે ઈશાએ નેહાબેનના ચરણસ્પર્શ કર્યા.
No comments:
Post a Comment