નેહાબેનને પાંચ વરસ પહેલાનો સમય યાદ આવ્યો ‘શું કરું નેહાબેન, હવે તો આત્મહત્યા કરવાનું મન થાય છે, પણ આ નાના છોકરાં ગળે વળગે છે. બાકી આ ઘરથી ને આવા માણસોથી સાવ કંટાળી ગઈ છું.’ ઇશા આંસુ પાડતી પોતાની મનોવ્યથા નેહાબેન પાસે ઠાલવતી બોલી, ડરતી હોય એમ આસપાસ જોતી, હાથમાં એઠવાડનું વાસણ લઇ એ નેહાબેનના “કેમ છો?”ના જવાબમાં ઈશા રોઈ પડી. ‘આંખો દિવસ ઘરમાં આઠ જણાનું કામ રહે, ઘરમાં નણંદની સુવાવડનો ખાટલો ને સાથે-સાથે સાસુ-નણંદના ટીકા-ટીપ્પણ સાથેના, ઓર્ડર, દિયરની સાપેક્ષમાં પતિ ઓછું કમાય એ પોતાનો વાંક હોય એમ સાસુના મહેણાં-ટોણાં સાંભળવાના મોટા ઘરની સફાઈ, દરેકને પોતાનો અલગ રૂમ, નવરા પડે એટલે બધા પોત-પોતાના રૂમમાં ! મારો નાનો પાર્થ સમજે નહિ એટલે ભૂલમાંય કોઈના રૂમમાં જાય તો ‘ઈશા, આને લઇ લો, તમારા તોફાનીને સંભાળો! આવો તોફાની છોકરો તો બાપના દુશ્મનને’ય ન દેજો’ સાસુમા મોટેથી બોલે ને નણંદ ટહુકે ‘ભાભી મારા છોકરાથી તો આઘો જ રાખજો, મારે આવા તોફાની ના પોસાય!’ બધાનો ગુસ્સો ઠાલવવાનું ઠેકાણું હું અને મારા છોકરા! વહુ થઈને આવી એટલે આ ઘરમાં ખાવામાં પણ અન્યાય!” નેહાબેન રડતી ઇશાની સુકલકડી કાયા અને ઊંડી ઊતરી...