[ મહાકવિ રવીન્દ્રનાથની સાહિત્યસૃષ્ટિનો પરિચય આપતા ગ્રંથ ‘ગુપ્તધન’માંથી પ્રસ્તુત વાર્તા સાભાર લેવામાં આવી છે.] શશીભૂષણ અને રાધામુકુંદ બે સગા ભાઈ નહોતા, બે વચ્ચે બહુ નજીકનો સંબંધ પણ નહોતો. પરંતુ બેઉ વચ્ચે સગા ભાઈઓના કરતાં પણ વધારે હેતભાવ હતો. નાનપણથી બંને વચ્ચે આવો પ્રેમસંબંધ હતો. બેઉ જણ સાથે નિશાળે જતા, ગુરુજીને થાપ આપી ભાગી જવામાં પણ બેઉ સાથે, અને રાતે ઘરનાંને ખબર ન પડે એમ છાનામાના રામલીલા જોવા જવામાં પણ સાથે ! પકડાઈ જવાય તો માર ખાવામાં પણ સાથે ! મોટા થયા પછી પણ એમનો આ પ્રેમસંબંધ ચાલુ રહ્યો. બેઉ પરણ્યા. શશીભૂષણની જમીનદારી હતી, પણ એનો વહીવટ બધો રાધામુકુંદ કરતો હતો. શશીભૂષણની સ્ત્રી વ્રજસુંદરીના મનમાં એક સંદેહ ઘર કરી ગયો હતો કે રાધામુકુંદ મારા પતિને દગો દેવાનું કરી રહ્યો છે. આનો કોઈ પુરાવો નહોતો, પણ પુરાવો નહોતો એથી એનો સંદેહ વધારે પાકો થતો જતો હતો, અને કોઈ કોઈ વાર તે કઠોર શબ્દોમાં પ્રગટ પણ થઈ જતો હતો. આવી રીતે એક વાર ગુસ્સામાં એણે રાધામુકુંદની સ્ત્રી રાસમણિના સાંભળતાં રાધામુકુંદને કઠોર વેણ સંભળાવ્યાં. કહે : ‘પ્રેમબેમ કાંઈ નથી, કેવળ પારકાનું અન્ન ખાવાની ચતુરાઈ છે બધી.’ ...
[‘નવચેતન’ માસિકમાંથી સાભાર.] નંદલાલ માસ્તર નિશાળ છૂટી કે આજે ઝડપભેર પગથિયાં ઊતરી ગયા. રોજ વિદ્યાર્થીઓ સાથે છૂટ્યા પછી પણ કલાકેક સુધી વાતો કરી તેમને ભણવાનું માર્ગદર્શન આપતા માસ્તર આજ ઘેર પહોંચવા ઉતાવળા થઈ રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી પત્નીના મુખ પરની સુરખી ને પરિવર્તને બંનેને વિચાર કરતાં કરી મૂક્યાં હતાં, પરંતુ એવું કાંઈ લગ્નજીવનના 15 વર્ષ પછી હોઈ શકે ખરું ? માસ્તર મનોમન મીઠી મૂંઝવણ અનુભવી રહ્યા ને આજે એ મૂંઝવણના નિરાકરણ માટે તેઓ પત્નીને લઈને ડૉક્ટર પાસે જવાના હતા. ડૉક્ટરે માસ્તર પત્નીને તપાસીને જે સમાચાર આપ્યા તે સાંભળી તેમનું હૈયું હરખથી ઊછળી પડ્યું. ઘેર પહોંચીને તેમણે પત્નીને કડક સૂચના આપી દીધી – તમારે હવે ઝાઝું કામ કરવાનું નથી. આરામ કરજો. માસ્તર સવારે પોતાની ચા જાતે જ મૂકીને તૈયાર થઈ શાળાએ પહોંચી જતા ને પત્નીને નિરાંત જીવે ઊંઘવા દેતા. બજારમાંથી નાની-મોટી કંઈ ચીજ લાવવાની હોય તો પણ હોંશભેર જાતે જ લઈ આવતા. પૂરા દિવસે માસ્તરની પત્નીને પેટમાં દુ:ખાવો ઊપડ્યો. માસ્તર અધીરા થઈ બહાર આંટા મારી રહ્યા. દીકરો હશે કે દીકરી. આજ સુધી માસ્તરે કદી ટ્યૂશનનો વિચાર કર્યો નહોતો. પૂર...