મને બચાવવાનો એક જ રસ્તો છે, મારી સાથે લગ્ન કરી તમારા દેશમાં બોલાવી લો! હું તમને બોજારૂપ નહીં બની રહું. તમે મારી કાયાની સાથે-સાથે મારા કલદારનો પણ ભોગવટો માણી શકશો. ત્રીસ વરસનો વરદાન વસાવડા નવરાશની પળોમાં લેપટોપ સાથે સંવનન કરતો બેઠો હતો, ઇન્ટરનેટ ઉપર એક મેઇલ વાંચીને એ ચમક્યો: ‘મારું નામ શર્લી.’ હું સેનેગલ નામના દેશમાં જન્મેલી એક કમનસીબ યુવતી છું. કુંવારી છું. મારી ઉંમર ચોવીસ વરસ છે. મારી દાસ્તાન બહુ કરુણ છે. વરદાનને રસ પડ્યો. આ દેશમાં જુવાન છોકરીઓની કરુણકથામાં રસ ધરાવતા લાગણીશીલ યુવાનોની કમી નથી. શર્લી આગળ લખતી હતી: ‘જો તમને જગતની ગતિવિધિઓ જાણવાનો શોખ હશે તો તમને એ વાતની ખબર હશે જ કે સેનેગલમાં અત્યારે ભયંકર ઊથલપાથલ ચાલી રહી છે. આખો દેશ સિવિલ વોરમાં સપડાઇ ચૂકયો છે. બે અલગ-અલગ કોમો વચ્ચે ભયાનક ખૂનામરકી જામેલી છે.’ વરદાનને યાદ આવ્યું, થોડાક સમય પહેલાં એણે અંગ્રેજી અખબારમાં સેનેગલના આંતરવિગ્રહ વિશે આવું કશુંક વાંચ્યું હતું ખરું, પણ સેનેગલ અમેરિકા, ઇંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયા જેટલો દેશ ન હોવાને કારણે અને ત્યાં ભારતીય વસાહતીઓની સંખ્યા ઝાઝી નહીં હોવાને કારણે એણે એ સમાચારો...