[‘સૌરાષ્ટ્રની રસધાર’ ભાગ-3માંથી સાભાર.] પચાર વરસ પહેલાં ખુમાણ પંથકના ખડકાળા ગામમાં ‘કાળા ખાચર’ નામના એક કાઠી રહેતા હતા. એને લોકો ‘આપા કાળા’ કે ‘કાળા ખુમાણ’ નામથી પણ બોલાવતા. આપા કાળાને ઘેર આંઠ સાંતીની જમીન હતી, પણ એંશી સાંતીના ધણીને પાલવે એવી પરોણાચાકરી પોતાને આંગણે રાખવાનું આપાને બંધાણ થઈ ગયું હતું. એટલે આપો આજ આધેડ અવસ્થામાં પૈસેટકે ડૂબી ગયા હતા. ડેલીએ બેઠાં બેઠાં કસુંબાની કૅફ કરીને કાઠી પોતાનું દુ:ખ વીસરતા હતા. પણ ઓરડે બેઠેલી કાઠિયાણીને તો પોતાની આપદા વીસરવાનો એકેય ઉપાય નહોતો. મહેમાનોનાં ભાણાં સાચવવાં અને મોળપ કહેવાવા ન દેવી, એવી એવી મૂંઝવણો દિવસરાત આઈને ઘેરી લેતી. એમાંય સાત ખોટના એક જ દીકરા લાખાને હવે પરણાવ્યા વિના આરોવારો નહોતો. વેવાઈ ઘોડાં ખૂંદી રહ્યા હતા. વહુ મોટાં થયાં હતાં. પણ વેવાઈની સાથે કાંઈક રૂપિયા ચૂકવવાનો કરાર હતો તે વિધ્ન હતું. ‘કાઠી !’ આઈએ આપા કાળા ખુમાણને ધધડાવ્યા, ‘કાઠી, આમ કાંઈ આબરૂ રે’શે ? તમારું તો રૂંવાડુંય કાં ધગતું નથી ? વેશવાળ તૂટશે તો શું મોઢું દેખાડશો ?’ ‘ત્યારે હું શું કરું ?’ ‘બીજું શું ? ભાઈબંધોને ઊભે ગળે ખવરાવ્યાં છે, તે આજ ...