['જલારામદીપ' સામાયિકમાંથી સાભાર.] દિવાળીના દિવસો હોવાથી કામનો બોજ વધારે રહેતો, એટલે રિસેસ સુધી તે મોબાઈલ બંધ રાખતો. હજુ તો તે ઑફિસ પહોંચ્યો હતો. ખુરશી પર જગ્યા લઈ મોબાઈલ સ્વીચ ઑફ કરવા જતો હતો ત્યાં એમાં રિંગ વાગી. સ્ક્રિન પર પાડોશી મુકુન્દભાઈનું નામ જોઈને એને થોડી નવાઈ લાગી. મુકુન્દભાઈ સામે મળ્યે ય ભાગ્યે જ બોલતા. ઉતાવળે એણે ફોન રિસિવ કર્યો… ‘હેલ્લો વિશાલભાઈ… રેખાબહેન બાથરૂમમાં લપસી ગયાં છે. બેભાન થઈ ગયાં છે. ૧૦૮ બોલાવીને સમજુબા હૉસ્પિટલમાં દાખલ કર્યાં છે. તમે તાત્કાલિક ત્યાં આવી જાવ.’ મુકુન્દભાઈનો અવાજ જે રીતે ધ્રૂજતો હતો એના પરથી એને લાગ્યું કે મામલો ખૂબ ગંભીર છે. ‘ઘેરથી ફોન છે. હું જાઉં છું.’ બાજુના ટેબલ પર બેસતા કલીગને એટલું કહેતો તે ચાલતો થઈ ગયો. ‘પણ છે શું ?’ ‘કેમ એકાએક ?’ ‘કોઈ બીમાર છે ?’ એકસાથે થયેલા આ પ્રશ્નોના જવાબ આપવા તે ઊભો ન રહ્યો. વિશાલના હ્યદયના ધબકારા વધી ગયા હતા. ઘડીક તો થયું, પોતે સ્કૂટર નહીં ચલાવી શકે. પરંતુ રિક્ષા શોધવામાં સમય લાગી જાય એમ હોવાથી તેણે હિંમત કરીને સ્કૂટર મારી મૂકયું. મન પર વિચારો હુમલો કરી રહ્યા હતા. એવું તે શું થઈ ગયું હશે રે...