Thursday, July 17, 2014

Gujarati Navalkatha - બે ભાઈ

[ મહાકવિ રવીન્દ્રનાથની સાહિત્યસૃષ્ટિનો પરિચય આપતા ગ્રંથ ‘ગુપ્તધન’માંથી પ્રસ્તુત વાર્તા સાભાર લેવામાં આવી છે.]

શશીભૂષણ અને રાધામુકુંદ બે સગા ભાઈ નહોતા, બે વચ્ચે બહુ નજીકનો સંબંધ પણ નહોતો. પરંતુ બેઉ વચ્ચે સગા ભાઈઓના કરતાં પણ વધારે હેતભાવ હતો. નાનપણથી બંને વચ્ચે આવો પ્રેમસંબંધ હતો. બેઉ જણ સાથે નિશાળે જતા, ગુરુજીને થાપ આપી ભાગી જવામાં પણ બેઉ સાથે, અને રાતે ઘરનાંને ખબર ન પડે એમ છાનામાના રામલીલા જોવા જવામાં પણ સાથે ! પકડાઈ જવાય તો માર ખાવામાં પણ સાથે !

મોટા થયા પછી પણ એમનો આ પ્રેમસંબંધ ચાલુ રહ્યો. બેઉ પરણ્યા. શશીભૂષણની જમીનદારી હતી, પણ એનો વહીવટ બધો રાધામુકુંદ કરતો હતો. શશીભૂષણની સ્ત્રી વ્રજસુંદરીના મનમાં એક સંદેહ ઘર કરી ગયો હતો કે રાધામુકુંદ મારા પતિને દગો દેવાનું કરી રહ્યો છે. આનો કોઈ પુરાવો નહોતો, પણ પુરાવો નહોતો એથી એનો સંદેહ વધારે પાકો થતો જતો હતો, અને કોઈ કોઈ વાર તે કઠોર શબ્દોમાં પ્રગટ પણ થઈ જતો હતો. આવી રીતે એક વાર ગુસ્સામાં એણે રાધામુકુંદની સ્ત્રી રાસમણિના સાંભળતાં રાધામુકુંદને કઠોર વેણ સંભળાવ્યાં. કહે : ‘પ્રેમબેમ કાંઈ નથી, કેવળ પારકાનું અન્ન ખાવાની ચતુરાઈ છે બધી.’


આ સાંભળી રાસમણિને બહુ લાગી આવ્યું. તેણે રાતે રડતાં રડતાં પતિને કહ્યું :
‘આવું કેમ સહન થાય ?’

રાધામુકુંદે કહ્યું : ‘જે ખાવાપીવા પહેરવા ઓઢવાનું આપે છે તે જો કોઈ વખત બે વેણ કહે તો તે પણ પહેરવા ઓઢવામાં ગણી લેવાનાં.’ પણ રાસમણિના મનનું આથી સમાધાન થયું નહિ. બીજે દિવસે રાધામુકુંદે શશીભૂષણને કહ્યું :

‘તમારા ઘરમાં અશાન્તિ થાય એ ઠીક નહિ, રજા આપો તો હું જાઉં.’
શશીભૂષણે હસીને કહ્યું : ‘વાહ, એ પારકા ઘરની છોકરી, લાગ મળે બે વેણ કહેવાની. સ્ત્રીનાં વેણ ન સહી શકીએ તો આપણે પુરુષ થઈને જન્મ્યા શું કરવા ?’
વાત ત્યાં જ અટકી.

દિવસે દિવસે વ્રજસુંદરીનાં શબ્દબાણોનો મારો વધતો જતો હતો. રાસમણિ તો જાણે બાણપથારી પર જ સૂતી હતી. એવામાં એક ભારે વાત બની ગઈ. રાધામુકુંદે સરકારને જમીનદારીનું ભરણું ભરવા નાણાં મોકલ્યાં તે રસ્તામાં લૂંટાઈ ગયાં. ભરણું સમયસર ભરાયું નહિ એટલે સરકારે શશીભૂષણની જમીનદારીનું લિલામ કરી નાખ્યું અને એક વેપારી વણિકે તે રાખી લીધું. શશીભૂષણ પાસે હવે કંઈ રહ્યું નહિ. એકાએક ઊંડા પાણીમાં લપસી પડ્યા જેવું તેને થયું. નોકરી ધંધો કરી શકે એવું એનું શિક્ષણ નહોતું અને સ્વભાવે નહોતો. નાણાંની આ ભીડમાં રાધામુકુંદે પોતાની સ્ત્રીનાં તમામ ઘરેણાં ગીરો મૂકી રકમ ઊભી કરી શશીભૂષણની સામે ધરી દીધી. હવે એક અજબ પરિવર્તન આવી ગયું. સુખના દિવસોમાં વ્રજસુંદરી જેને કાઢી મૂકવાનું કરતી હતી તેનો જ તેણે આ દુઃખના દિવસોમાં આશ્રય લીધો. રાધામુકુંદ પ્રત્યે તેના મનમાં તલભારે ઈર્ષ્યાભાવ હશે એવું હવે તેને જોઈને લાગે નહિ.

રાધામુકુંદ વકીલાતનું ભણેલો હતો. તેણે શહેરમાં જઈ વકીલાત શરૂ કરી અને થોડા વખતમાં સારું કમાતો થઈ ગયો. મોટા મોટા જમીનદારોનું કામ એના હાથમાં આવ્યું. શશીભૂષણના ઘરનો તમામ ભાર એણે પોતાને શિર લઈ લીધો હતો. હવે પરિસ્થિતિ પહેલાં કરતાં ઊલટી હતી. હવે રાસમણિનું અનાજ ખાઈને શશીભૂષણ અને વ્રજસુંદરી પોષાતાં હતાં. પણ ઘરની કરતી કરાવતી પહેલાંની પેઠે વ્રજસુંદરી જ હતી. રાધામુકુંદ બધી કમાણી વ્રજસુંદરીના જ હાથમાં મૂકતો. આ બાબત એક વાર રાસમણિ પગ પછાડી મિજાજ કરી જેઠાણીના મોં પર કંઈ બોલી ગઈ હશે. એ જ રાતે રાધામુકુંદે એને પિયર મોકલી દેવાનું કર્યું હતું અને અઠવાડિયા સુધી એણે એનું મોં સુદ્ધાં જોયું નહોતું. છેવટે વ્રજસુંદરીએ દિયરનો હાથ પકડી બેઉ વચ્ચે મેળ કરાવ્યો હતો.
શશીભૂષણના મોં પર હાસ્ય હતું, પણ એ દિવસે દિવસે સુકાતો જતો હતો. એ જોઈ રાધામુકુંદની ચિંતાનો પાર નહોતો. આ ચિંતામાં ઘણી વાર એની ઊંઘ ઊડી જતી. તે ઘણી વાર શશીભૂષણને હિંમત આપી કહેતો : ‘દાદા, ચિંતા ન કરો. આપણી જમીનદારી આપણે પાછી મેળવીશું.’ અને એણે એ મેળવી. પણ વચમાં ખાસ્સાં સાત વરસ વહી ગયાં. સંપત્તિ પાછી મળી તેની ખુશાલીમાં આખું ગામ જમ્યું, ગરીબો અન્નવસ્ત્ર પામ્યાં, પણ કોણ જાણે કેમ શશીભૂષણ પહેલાં જેવો પ્રફુલ્લ થઈ શક્યો નહિ. એ પથારીવશ થઈ પડ્યો; દાક્તરોએ જાહેર કર્યું કે એ નહિ બચે. એકાન્ત જોઈ રાધામુકુંદે શશીભૂષણને કહ્યું :

‘દાદા, મેં એક મોટું પાપ કર્યું છે. આપણી વચ્ચે અંતરનો કોઈ ભેદ નહોતો, માત્ર બહારનો ભેદ હતો- તમે પૈસાદાર હતા, હું ગરીબ હતો. આને લીધે આપણો સંબંધ તૂટવાનો સંભવ દિવસે દિવસે વધતો જતો હતો, તેથી મેં પોતે જ એ ભેદ ભૂંસી નાખવા સરકારી ભરણું લૂંટાવી તમારી જમીનદારી હરાજ કરાવી દીધી હતી. મને માફ કરો, દાદા !’

શશીભૂષણના મોં પર જરાયે વિસ્મયનો ભાવ નહોતો. તેણે કહ્યું :

‘તેં સારું જ કર્યું હતું, ભાઈ !’ આમ કહી એનો હાથ પકડી કહ્યું : ‘હું પહેલેથી આ જાણતો હતો. તેં જેમની સાથે ગોઠવ્યું હતું તેમણે જ મને એ કહી દીધું હતું. તે વખતથી જ મેં તને માફી બક્ષેલી છે.’
રાધામુકુંદ મોં છુપાવી રડવા લાગ્યો. તે રડતાં રડતાં બોલ્યો : ‘તો હવે તમારી મિલકત તમે સંભાળો, ગુસ્સે થઈ ના ન કહેશો !’

‘મિલકત મારી છે જ ક્યાં ?’ શશીભૂષણ આથી વધારે બોલી શક્યો નહિ. એની વાણી બંધ થઈ ગઈ હતી.

– રવીન્દ્રનાથ ટાગોર (રૂપાંતર : રમણલાલ સોની)

Gujarati Navalkatha - દીકરો કે દીકરી

[‘નવચેતન’ માસિકમાંથી સાભાર.]

નંદલાલ માસ્તર નિશાળ છૂટી કે આજે ઝડપભેર પગથિયાં ઊતરી ગયા. રોજ વિદ્યાર્થીઓ સાથે છૂટ્યા પછી પણ કલાકેક સુધી વાતો કરી તેમને ભણવાનું માર્ગદર્શન આપતા માસ્તર આજ ઘેર પહોંચવા ઉતાવળા થઈ રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી પત્નીના મુખ પરની સુરખી ને પરિવર્તને બંનેને વિચાર કરતાં કરી મૂક્યાં હતાં, પરંતુ એવું કાંઈ લગ્નજીવનના 15 વર્ષ પછી હોઈ શકે ખરું ? માસ્તર મનોમન મીઠી મૂંઝવણ અનુભવી રહ્યા ને આજે એ મૂંઝવણના નિરાકરણ માટે તેઓ પત્નીને લઈને ડૉક્ટર પાસે જવાના હતા. ડૉક્ટરે માસ્તર પત્નીને તપાસીને જે સમાચાર આપ્યા તે સાંભળી તેમનું હૈયું હરખથી ઊછળી પડ્યું. ઘેર પહોંચીને તેમણે પત્નીને કડક સૂચના આપી દીધી – તમારે હવે ઝાઝું કામ કરવાનું નથી. આરામ કરજો. માસ્તર સવારે પોતાની ચા જાતે જ મૂકીને તૈયાર થઈ શાળાએ પહોંચી જતા ને પત્નીને નિરાંત જીવે ઊંઘવા દેતા. બજારમાંથી નાની-મોટી કંઈ ચીજ લાવવાની હોય તો પણ હોંશભેર જાતે જ લઈ આવતા.

પૂરા દિવસે માસ્તરની પત્નીને પેટમાં દુ:ખાવો ઊપડ્યો. માસ્તર અધીરા થઈ બહાર આંટા મારી રહ્યા. દીકરો હશે કે દીકરી. આજ સુધી માસ્તરે કદી ટ્યૂશનનો વિચાર કર્યો નહોતો. પૂરી ખંતથી વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા પણ કદીક મનમાં વિચાર ઉદ્ભવતો. . . ‘હું નહિ હોઉં તો પત્નીનું શું થશે ? બસ એક સહારો, ઘડપણની ટેકણલાકડી. . .’ ને જાણે ઈશ્વરે સાંભળ્યું હોય એમ આ સારા સમાચાર મળ્યા. માસ્તર મનોમન ગડભાંગ કરી રહ્યા – દીકરો હોય તો ઘડપણની લાકડી જરૂર બની રહે, પરંતુ, ના, ના; દીકરી તો લક્ષ્મી છે, લક્ષ્મી. . . ને માસ્તર અચાનક નર્સના અવાજથી તંદ્રામાંથી જાગી ઊઠ્યા. ‘લક્ષ્મી આવી, માસ્તર, તમારે ઘેર લક્ષ્મીજી પધાર્યા છે.’ માસ્તરનું મોં હરખાઈ ઊઠ્યું. ઉત્સાહભેર ડગ ભરતા માસ્તર અંદર રૂમમાં પહોંચી ગયા. નાની ર્ર્ના પોલકા જેવી દીકરી પારણામાં ઝૂલતી હતી. માસ્તર અમી નજરે તેને નીરખી રહ્યા – ‘ક્યાં હતી તું આટલાં વર્ષો ? કેમ આટલી રાહ જોવડાવી ?’ ને જાણે પિતાને જવાબ આપતી હોય તેમ ઢીંગલી ઊંઘમાં મલકાઈ ઊઠી. પતિ-પત્નીની નજર મળી ને અંગ અંગમાં હરખની એક લહેર ફરી વળી. માસ્તરે વિચાર્યું, ‘દીકરી માટે ઝાઝી કમાણી કરવી જ પડશે. તેમણે રોજ એક શેઠને ત્યાં નામું લખવાની નોકરી સ્વીકારી લીધી. પત્ની પણ કરકસર ને ત્રેવડથી સંસાર ચલાવતી.


વર્ષો વીત્યાં ને ઝરણા હવે બાળકી મટી યૌવનને ઉંબરે ડગ માંડી રહી. ભણવામાં હોશિયાર ઝરણા બી.એસસી.માં ડિસ્ટિંક્શન સાથે પાસ થઈ ગઈ. ત્યાં જ અચાનક મામા સમાચાર લઈ આવ્યા. અમેરિકાથી મુકુન્દરાયનો અખિલેશ પરણવા આવ્યો છે, બોલો ઝરણા માટે છે વિચાર ? માસ્તર સ્તબ્ધ થઈ ગયા. આટલું જલદી ? દીકરી આટલી જલદી પારકી થઈ જશે ? મન વ્યાકુળ થઈ ઊઠ્યું. પરંતુ વહેવાર-કુશળ પત્નીએ સલાહ આપી – આવી તક કંઈ જતી કરાય ? તેમણે ઉતાવળ કરવા માંડી એટલે માસ્તરે રવિવારે મુકુન્દરાયના કુટુમ્બને ઘેર બોલાવવાનું નક્કી કર્યું. તે દિવસે સાંજે મુકુન્દરાયનું કુટુમ્બ આવ્યું ત્યારે માસ્તર-પત્નીએ શક્ય એટલી સરસ રીતે સરભરા કરી. રૂપ, ગુણમાં તો ઝરણા માટે કંઈ કહેવા જેવું જ નહોતું. અખિલેશકુમારને ઝરણાની સાદગી ને સૌંદર્ય પસંદ પડી ગયાં. વાતવાતમાં મૃદુલાબહેને આછો અણસાર આપી દીધો – અમારે તો અમેરિકામાં સર્વ સુખસાહ્યબી છે એટલે કંકુકન્યા જ ચાલશે. પરંતુ અમારા સગાવ્હાલા, નાતજાતમાં નીચું ના પડે તે માટે પહેરામણી ને જાનની સારી આગતાસ્વાગતા કરો એટલે ઘણું છે. બસ આટલો ખ્યાલ રાખજો. લગ્ન આવતા ડિસેમ્બરમાં લેવાનું જ અનુકૂળ રહેશે. બધી સ્પષ્ટતા મુકુન્દરાય કુટુમ્બે કરી લીધી ને ગાડી સડસડાટ ધૂળ ઉડાડતી નીકળી ગઈ.

પાછા વળી માસ્તર માથે હાથ દઈ બેઠા. ‘આમ ચિંતા શું કરો છો ? પૈસાનું તો થઈ પડશે. કેમ તમારું પ્રોવિડંટ ફંડ નથી ? ને હજુ તો ઘણો સમય છે. ત્યાં સુધીમાં થઈ પડશે.’ વહેવારકુશળ પત્નીએ હૈયાધારણ આપી. અખિલેશ ને ઝરણાના વિવાહ મુકુન્દરાયે મોટી હોટેલમાં ગોઠવ્યા. માસ્તરકુટુમ્બને આ ઝાઝેરા ભભકામાં ભવિષ્યના પ્રસંગની ઝાંખી દેખાઈ રહી. અખિલેશકુમારમાં ભારતીય સંસ્કાર ને આધુનિક પેઢીના પ્રગતિશીલ વિચારોનો સમંવય જોવા મળતો હતો. અમેરિકા પહોંચી તે ઝરણાને નિયમિત પત્ર, ઇ-મેઇલ કરતા રહેતા. ત્રણ મહિના પછી માસ્તર રિટાયર થયા ને થોડી મોટી કહેવાય એવી રકમ હાથમાં આવી પડી. નિર્મળાબહેને આ તક ઝડપી લીધી. ‘હવે તમે દીકરીના લગ્નની તૈયારીઓ કરવા માંડો, આ પ્રોવિડંટ ફંડના પાંચ લાખ તો દીકરીના લગ્ન ટાણે જ સમયસર આવી પહોંચ્યા છે.’ તેમનું મોઢું હરખાઈ ઊઠ્યું, રસોડામાં પોતું કરતી ઝરણાના કાન સરવા થયા. ‘પણ એ બધા પૈસા વાપરી નાંખીએ ને કદાચ મને કંઈ થઈ જાય તો ? પછી તારું શું ?’ માસ્તરનો સ્વર ગળગળો થયો, ઝરણાના હાથ થંભી ગયા. ‘મારી શું ચિંતા કરો છો ? અત્યારે દીકરીનો પ્રસંગ ઉકેલોને ? પછી જોયું જશે.’ પત્નીએ હિંમત દાખવી.

ઝરણા વિચારમાં પડી ગઈ. તે આખી રાત તે ઊંઘી શકી નહીં. હું તો ચાલી જઈશ પરંતુ મારાં મા-બાપનું શું થશે ? બીજે દિવસે તેણે કંઈક નિર્ણય કરી અખિલેશને પત્ર લખી દીધો – ;હું લગ્ન પછી અમેરિકા આવી જોબ કરીશ. આપણે બંને સાથે મળી કુટુમ્બનો આર્થિક બોજ ઉઠાવીશું. પરંતુ બસ માત્ર એક વર્ષની આવક મારા પિતાને હું આપવા ઇચ્છું છું. આશા રાખું છું તમે આ વાત માટે સહમત થશો. મારા પિતા તેમની જીવનભરની કમાણી મારી પાછળ ખર્ચી નાંખવા તૈયાર થયા છે તો હું માત્ર એક વર્ષની જ મારી કમાણી તેમને ના આપી શકું ? પિતાનું ઋણ ચૂકવવાની આ તક મને આપશોને ?’ વળતો જ અખિલેશનો જવાબ આવી ગયો – ‘જરૂર, જરૂર. મારી આ વાતમાં પૂરી સંમતિ છે. એટલું જ નહિ, જરૂર પડ્યે હું પણ આ મહાયજ્ઞમાં મારું યોગદાન આપીશ.’ ઝરણાનું હૈયું નાચી ઊઠ્યું. નંદલાલ માસ્તરે લગ્નની તૈયારીઓ તેમની રીતે શરૂ કરી દીધી હતી. લગ્નના એક મહિના પહેલાં મુકુન્દરાય ને મૃદુલાબેન વહેલાં આવી બધી તૈયારીઓ જોઈ ગયાં. લગ્નનો હૉલ, સુશોભન, જાનનો જમણવાર, પહેરામણી બધુંજ તેમના મોભા પ્રમાણે થઈ રહ્યું હતું ને છેવટે એ શુભ દિવસ પણ આવી ગયો. ધામધૂમથી લગ્ન, જમણ, બધું જ ઊકલી ગયું. બેંક બેલેંસ ભલે તળિયાઝાટક થઈ ગયું હતું પણ વેવાઈને સંતોષ થયો હતો, તે વાતનો માસ્તરને આનંદ હતો. વિદાય વેળાએ માસ્તરે વેવાઈ સમક્ષ બે હાથ જોડ્યા – કંઈ ભૂલચૂક થઈ હોય તો. . .’ ‘અરે હોય વેવાઈ, તમારી દીકરી હવે અમારી !’ મુકુન્દરાય માસ્તરને હેતથી ભેટી પડ્યા.

બે મહિના પછી ઝરણા પણ વીઝા મળતાં અમેરિકા ઊપડી. આજ બારમી ડિસેમ્બર હતી. માસ્તર ને પત્ની બંને હીંચકા પર બેસી ઝરણા-અખિલેશનાં લગ્નની આલ્બમ જોઈ વરસ પહેલાંનો એ શુભ અવસર વાગોળી રહ્યાં હતાં, ત્યાં જ બહાર માસ્તરના નામની બૂમ પડી. માસ્તરે ઊઠીને બારણું ખોલ્યું. સામે હાથમાં કવર સાથે ટપાલી ઊભો હતો. માસ્તરે કવર પર નામ જોયું. પુત્રીનો અમેરિકાથી કાગળ હતો. તેમણે અધીરાઈથી કવર ખોલ્યું. અંદરથી પત્ર ને સાથે અગિયાર હજાર ડૉલરનો ચેક સરી પડ્યા. માસ્તર અચંબાથી ચેક સામે જોઈ રહ્યા. આટલી મોટી રકમ ? અંદર પત્રમાંથી દીકરીનો પ્રેમભર્યો મધુર સ્વર ગુંજી રહ્યો. ‘બાપુજી, આજ અમારી લગ્નની એનિવર્સરી. સાથે આ ચેક મોકલાવું છું. તમે તમારી જીવનભરની કમાણી મારી પાછળ ખર્ચી નાંખી છે. હું તમારું કયા ભવે ઋણ ચૂકવીશ ? મેં કાંઈ ઝાઝું કર્યું નથી. આશા રાખું છું, આ રકમ તમારી જરૂરિયાત માટે પૂરતી થઈ રહેશે. વધારે કંઈ જોઈએ તો નિ:સંકોચ જણાવશો, તમારા જમાઈની પણ આ વાતમાં પૂરી સંમતિ છે. આજના શુભ દિવસે માત્ર આપના આશિષ ઝંખું છું. આ ફૂલ નહિ તો ફૂલની પાંખડી સમજી રકમ સ્વીકારી લેશો. હું તમારી દીકરી નહિ પણ દીકરો છું તેમ સમજજો. – તમારી લાડલી ઝરણા. માસ્તરની આંખમાં બે મોતી ચમકી રહ્યાં. ‘હા, બેટા, તું તો મારો દીકરો છે દીકરો, મારા ઘડપણની ટેકણલાકડી. . .’

– વંદના એન્જિનિયર

Wednesday, July 16, 2014

Gujarati Navalkatha - ઝૂમણાની ચોરી

[‘સૌરાષ્ટ્રની રસધાર’ ભાગ-3માંથી સાભાર.]

પચાર વરસ પહેલાં ખુમાણ પંથકના ખડકાળા ગામમાં ‘કાળા ખાચર’ નામના એક કાઠી રહેતા હતા. એને લોકો ‘આપા કાળા’ કે ‘કાળા ખુમાણ’ નામથી પણ બોલાવતા. આપા કાળાને ઘેર આંઠ સાંતીની જમીન હતી, પણ એંશી સાંતીના ધણીને પાલવે એવી પરોણાચાકરી પોતાને આંગણે રાખવાનું આપાને બંધાણ થઈ ગયું હતું. એટલે આપો આજ આધેડ અવસ્થામાં પૈસેટકે ડૂબી ગયા હતા. ડેલીએ બેઠાં બેઠાં કસુંબાની કૅફ કરીને કાઠી પોતાનું દુ:ખ વીસરતા હતા. પણ ઓરડે બેઠેલી કાઠિયાણીને તો પોતાની આપદા વીસરવાનો એકેય ઉપાય નહોતો. મહેમાનોનાં ભાણાં સાચવવાં અને મોળપ કહેવાવા ન દેવી, એવી એવી મૂંઝવણો દિવસરાત આઈને ઘેરી લેતી. એમાંય સાત ખોટના એક જ દીકરા લાખાને હવે પરણાવ્યા વિના આરોવારો નહોતો. વેવાઈ ઘોડાં ખૂંદી રહ્યા હતા. વહુ મોટાં થયાં હતાં. પણ વેવાઈની સાથે કાંઈક રૂપિયા ચૂકવવાનો કરાર હતો તે વિધ્ન હતું.

‘કાઠી !’ આઈએ આપા કાળા ખુમાણને ધધડાવ્યા, ‘કાઠી, આમ કાંઈ આબરૂ રે’શે ? તમારું તો રૂંવાડુંય કાં ધગતું નથી ? વેશવાળ તૂટશે તો શું મોઢું દેખાડશો ?’
‘ત્યારે હું શું કરું ?’
 
‘બીજું શું ? ભાઈબંધોને ઊભે ગળે ખવરાવ્યાં છે, તે આજ તો એકાદાને ઉંબરે જઈ રૂપિયા હજારનું વેણ નાખો ! આપણે ક્યાં કોઈના રાખવા છે ? દૂધે ધોઈને પાછા દેશું.’ આપા કાળાને ગળે ઘૂંટડો ઊતર્યો. એણે નજર નાખી જોઈ. મનમાં થયું કે, ‘વંડે પહોંચું. ભૂવો આયર તો મારો બાળપણનો ભાઈબંધ છે, ઘોડિયાનો સાથી છે. ભગવાને એને ઘેર માયા ઠાલવી છે. લાવ્ય, ત્યાં જ જાવા દે.’

વંડા એ ખુમાણ પંથકમાં એક ગામડું છે. ઘોડીએ ચડીને કાળા ખુમાણ એટલે કે આપા કાળા વંડે ગયા. ભૂવો આયર મોટો માલધારી માણસ હતો. એના ઘરમાં લક્ષ્મીનો વાસ હતો. કાળા ખુમાણને આવે વખતે એ ટેકો આપેય ખરો. પણ જઈને જુએ તો ભાઈબંધ ઘેર ન મળે. ગામતરે ગયેલા. ઘરમાં આયરાણી હતાં. તેણે આપાને તાણ કરીને રાત રોક્યા. વાળુ કરતાં કરતાં આપાએ વાત ઉચ્ચારી : ‘બાપ ! બોન ! લાખાનો વિવા કરવાની ઉતાવળ છે. રૂપિયા હજાર સારુ થઈને મારે જમીન મેલવા ન જાવું પડે તેવી આશાએ હું આંહીં ભાઈને મોઢે થવા આવ્યો, પણ ભાઈ તો ન મળે.’
 
રસોડામાંથી આયરાણીએ કહેવરાવ્યું : ‘આયર તો લાંબે ગામતરે ગયા છે.’
‘હશે બાપ. જેવાં મારાં તકદીર. સવારે હું વહેલો ઊઠીને ચડી નીકળીશ.’

રાતે બાઈએ વાળંદને કહ્યું : ‘આપાને માટે હું વાપરું છું તે ગાદલું નાખજે. અને મારો ઓછાડ કાઢી લઈને નવો ઓછાડ પાથરજે.’ વાળંદ ગાદલું ઢાળીને ઓછાડ ઉપાડે, ત્યાં તો ગાદલાની અંદર સોનાનું એક ઝૂમણું દેખ્યું. સ્ત્રીઓનો નિયમ છે કે સૂતી વખતે ડોકનો દાગીનો ઉતારીને ઓશીકે મૂકે. બાઈએ આગલી રાતે ઝૂમણું કાઢીને ઓશીકે મૂકેલું, પણ સવારે ઝૂમણું સરતચૂકથી ગાદલામાં જ રહી ગયેલું. વાળંદે પથારી કરી. આપાને પોઢાડી, ઝૂમણું સંતાડીને પડખે જ પોતાનું ઘર હતું ત્યાં ચાલ્યો ગયો. જઈને બાયડીને કહ્યું :
 
‘આ લે. સંતાડી દે.’
 
‘આ ક્યાંથી લાવ્યા ? આ તો માનું ઝૂમણું !’ બાકી ચોંકી ઊઠી.
 
‘ચૂપ રે, રાંડ ! તારે એની શી પંચાત ! ઝટ સંતાડી દે.’
 
‘અરે પીટ્યા, આ અણહકનું ઝૂમણું આપણને નો જરે.’
 
હજામે બાયડીને એક થપાટ લગાવી દીધી. ઝૂમણું કઢીના પાટિયામાં નાખ્યું, અને આખો પાટિયો ચૂલાની આગોણમાં દાટી દીધો. ભળકડું થયું એટલે આપો કાળો ખુમાણ તો બાઈને મોઢે થયા વગર ઘોડીએ ચડીને ચાલી નીકળ્યા. ઘેર જઈને આઠ સાંતીમાંથી ચાર સાંતી જમીન વાણિયાને થાલમાં માંડી દીધી. જમીન માથે રૂપિયા હજાર લીધા અને દીકરાનાં લગ્ન કર્યાં.

અહીં, વંડાના દરબારમાં શું બન્યું ? આપા કાળા ખુમાણ સિધાવી ગયા ત્યાર પછી બાઈને પોતાનું ઝૂમણું સાંભર્યું. એણે ગાદલામાં તપાસ કરી, પણ ઝૂંમણું ન મળે. વાળંદને બોલાવ્યો ને પૂછ્યું : ‘એલા, ઝૂમણું ગાદલામાં જ હતું એ ક્યાં ગયું ?’
 
હજામ કહે : ‘માડી, મને ખબર નથી.’
 
બાઈ સંભારવા લાગ્યાં : ‘તંઈ કોણે લીધું હશે ?’
 
વાળંદ બોલ્યો : ‘હેં મા, આપો કાળો ખુમાણ તો નહિ લઈ ગયા હોય ને ?’
 
‘ઈ શું કામ લ્યે ?’
‘રાતે વાત કરતા’તા કે દીકરાના લગનમાં એક હજાર રૂપિયાની જરૂર હતી.’
‘હા વાત ખરી. પણ કાંઈ છાનામાના લઈ જાય ?’
 
‘એમાં શું, માડી ? મારા બાપુને એને ભાઈબંધી ખરી ને ! પૂછીને લેતાં શરમ આવે. મનમાં એમ હોય કે પછી કાગળ લખી નાખીશ. બાપડાને જરૂર ખરીને ! એટલે બહુ વિચાર નયે કર્યો હોય !’
‘હા, વાત તો ખરી લાગે છે.’ બાઈને ગળે ઘૂંટડો ઊતરી ગયો !
 
થોડે દિવસે ભૂવો આયર ગામતરેથી ઘેરે આવ્યા. બાઈએ એને બધી વાત કહી. ઝૂમણાની વાત એને પણ ગળે ઊતરી ગઈ. એના મનમાં મિત્રને માટે બહુ માઠું લાગ્યું. પણ રૂપિયા એક હજારનું ઝૂમણું ! કળવકળથી કઢાવી લેવું જોઈએ. એણે ખેપિયો કરીને કાગળ મોકલ્યો.

ધામધૂમથી દીકરાનાં લગ્ન પતાવીને, જાણે નવ ખંડની બાદશાહી સાંપડી હોય તેવા સંતોષથી કાળો ખુમાણ ડેલીમાં બેઠા બેઠા ડુંઘાની ઘૂંટ તાણતા હતા. દીકરાનાં વહુ કોઈ સારા કુળમાંથી આવેલાં એટલે લગ્નની સુખડીમાંથી જે બાકી વધેલું તેમાંથી રોજ સવારે ને બપોરે સસરાજીને કસુંબા ઉપર ઠૂંગો કરવા માટે તાંસળી ભરી ભરી મોકલતાં અને સસરાજી બેઠા બેઠા સુખડી ચાવતા. ચાર સાંતની જમીન ચાલી ગઈ તેનો કાંઈયે અફસોસ નથી રહ્યો – દીકરો પરણાવીને બાપ જે સંતોષ પામે છે, તેની જાણે જીવતી મૂર્તિ ! ખેપિયે ભરડાયરા વચ્ચે આવીને આપાના હાથમાં કાગળ મેલ્યો. અંદર લખ્યું હતું : ‘ગાદલામાંથી ઝૂમણું લઈ ગયા છો, તે હવે જરૂર ન હોય તો પાછું મોકલજો અને જો ખરચાઈ ગયું હોય તો એની કિંમતના રૂપિયા એક હજાર વેળાસર પહોંચાડજો.’ …. ભરનીંદરમાં પોઢેલા કોઈ નિર્દોષ માણસને મધરાતે સરકારી સિપાઈ આવીને હાથકડી પહેરાવે તેમ આપા કાળાને આ કાગળ વાંચીને થઈ ગયું. માનવીને માથે આભ તૂટી પડે એ વાત એને ખરી લાગી. ધરતી જાણે એની નજર આગળ ચક્કર ચક્કર ફરવા લાગી. પણ કાઠીનો દીકરો, ઘૂંટડો ગળતાં આવડે. ખેપિયાને જવાબ લખી આપ્યો – લખ્યું : ‘હા, ઝૂમણું લાવ્યો છું, ઘરેણે મુકાઈ ગયું છે. છોડાવીને થોડા વખતમાં આવું છું.’

બાકીની જે ચાર સાંતની જમીન રહી હતી તે માંડી કાઠીએ બીજા એક હજાર રૂપિયા ઉપાડ્યા. નવું સોળવલા હેમનું ઝૂમણું ઘડાવ્યું. ઝૂમણું લઈને ઘોડે ચડી એણે વંડાનો રસ્તો લીધો. રસ્તે ચાલતાં એને વિચાર આવે છે કે ‘આ ઝૂમણું અમારું નહિ, એમ કહેશે તો ! ઝૂમણા ઉપરવટ કાંઈ રકમ માગશે તો ? તો આ ઘોડી આપીશ. અને એટલેથી પણ નહીં માને તો ? એથીય એના ઝૂમણાની વધારે કિંમત માગશે તો ? મરીશ !’ પડખામાં તરવાર તૈયાર હતી.

ડેલીની ચોપાટમાં ભૂવો આયર બેઠા હતા. તેણે ઊઠીને હાથ લંબાવ્યા : ‘ઓહોહો ! આવો, આવો, કાળા ખુમાણ ! પધારો.’ એમ આવકાર દીધો, બેસાડ્યા. ઉતાવળા થઈને કાળા ખુમાણે તો ફાળિયાની ગાંઠ છોડવા માંડી, બોલ્યા : ‘ભાઈ ! આ તમારું ઝૂમણું, સંભાળી લ્યો.’
 
‘ઊભા રહો, ઊભા રહો. ડાયરાને કસુંબા લેવા બોલાવીએ. ઝૂમણાની ક્યાં ઉતાવળ છે, આપા કાળા !’ કાળા ખુમાણના રામ રમી ગયા. એને પૂરેપૂરો ધ્રાસકો પડી ગયો કે ભાઈબંધ આજ ભરડાયરામાં મારું મોત ઊભું કરશે. દરમિયાનમાં વાળંદ ત્યાંથી સરકી ગયો. ડાયરો ધીમે ધીમે ભરાવા લાગ્યો. તેમ તેમ કાળા ખુમાણના ટાંગા તૂટવા મંડ્યા. હવે વાર નહોતી. ત્યાં ભૂવો આયર ઊભા થઈને પડખાની પછીતે નાડાછોડ કરવા બેઠા. અચાનક એના કાન ચમક્યા. પછીતની અંદર આ પ્રમાણે વાતો થતી હતી :
 
‘કાં રાડ ? કે’તી’તી ને કે નહીં જરે ?’
‘શું છે ?’
‘ઝૂમણું ઘડાવીને લાવ્યો.’
‘કોણ ?’
‘તારો બાપ – આપો કાળો ખુમાણ.’
‘અરરર ! પીટ્યા, કાઠીનું મોત ઊભું કર્યું !’
 
પેશાબ કરતો કરતો ભૂવો આયર આ વાત સાંભળી ગયો. એ ઠરી ગયો. ‘હાય હાય ! હાય હાય !’ – એવા ઊના હાહાકાર, ધમણે ધમાતી આગના ભડકાની માફક, એના હૈયામાં ભડભડી ઊઠ્યા. માથાની ઝાળ વ્રેહમંડે લાગી ગઈ. એ ઊભો થયો. પરબારો વાળંદના ઘરમાં ગયો. વાળંદ ઊભો ઊભો વાતો કરતો હતો, ત્યાં આયરે એના ગાલ ઉપર એક અડબોત લગાવી દીધી. પોતે પાંચ આંગળીએ સોનાના વેઢ પહેરેલ હતા એની વાળંદના ગાલ ઉપર છાપ ઊઠી આવી. વાળંદે ચીસ પાડી : ‘એ અન્નદાતા ! તમારી ગૌ !’
‘કાઢ્ય, ઝૂમણું કાઢ્ય, નીકર કટકા કરી નાખું છું.’
 
આગોણમાંથી ખોદીને વાળંદે કઢીનો પાટિયો કાઢ્યો; અંદરથી ઝૂમણું કાઢ્યું. એ જ ઝૂમણું ! ખૂબ કાળું પડી ગયેલું હતું. ફળિયામાં વીંટી બગલમાં દાબી, ભૂવો ડાયરામાં આવીને બેઠો. કસુંબો તૈયાર થયો એટલે નોકરને કહ્યું, ‘જા ઓરડે, ઓલ્યું જોડ્યવાળું ઝૂમણું લઈ આવ્ય.’

આપા કાળા ખુમાણે ઝૂમણું કાઢ્યું. એના હાથ કંપતા હતા. ડાયરાના એક-બે ભાઈઓ બોલી ઊઠ્યા :
‘કાં આપા, અફીણનો બહુ ઉતાર આવી ગયો છે તે ધ્રૂજો છો ?’
 
ભૂવો આયર બોલ્યો : ‘હા, હા, આપાને મોટો ઉતાર આવી ગયો છે ! હમણાં કસુંબો પાઈએ.’ આપા કાળાને આંખે અંધારાં આવ્યાં. ભૂવો ઝૂમણું ઊંચું કરીને બોલ્યો :
 
‘ડાયરાના ભાઈઓ, અમારા ઘરમાં આવાં બે ઝૂમણાં હતાં. તેમાંથી એક આપો કાળો ઉપાડી ગયેલા.’
ચમકીને ડાયરાએ પૂછ્યું : ‘હેં ! ક્યાંથી ?’
 
‘ગાદલાના બેવડમાંથી. કેમ ખરું ને, આપા ?… અને ભાઈઓ, આપો અમારા બાળપણના ભાઈબંધ થાય છે, હોં !’
‘અરર !’ ડાયરામાં ચીસ ઊઠી.
 
‘આપાને ઉઘરાણી લખી એટલે આ હલકી કિંમતનું ઝૂમણું ઘડાવીને લઈ આવ્યા, ને ઓલ્યું હજાર રૂપિયાનું ઝૂમણું ગળત કરી ગયા.’
 
‘ભૂવા ભાઈ, આ મારી ઘોડી….’ કાળા ખુમાણનો સ્વર તૂટી ગયો. ધીરે રહીને ભૂવા આયરે પોતાની બગલમાંથી ફાળિયું લીધું, ઉખેળીને અંદરથી ઝૂમણું કાઢ્યું. ત્રણેય ઝૂમણાં ડાયરાની વચ્ચે ફગાવ્યાં; બોલ્યો : ‘લ્યો બા, હવે જોડ્ય મેળવો તો ?’
 
ડાયરો સજ્જડ થઈ ગયો : અખંડ જોડનાં બે ઝૂમણાં ને ત્રીજું નવીન ! શું થયું ?

ભૂવા આયરની આંખમાંથી આંસુની ધાર હાલી. હિમાલય રુએ ત્યારે એનાં નેત્રોમાંથી ગંગા ને જમના વછૂટે. કાળા ખુમાણના પગની રજ લઈને એ બોલ્યો : ‘કાઠી, ધન્ય હોજો તારી માને ! અને મારી માને માથે – ના, મારી માનો શો વાંક ? મારે પોતાને માથે એક હજાર ખાસડાં હોજો ! ડાયરાના ભાઈઓ, આજ આ લાખ રૂપિયાના ગલઢેરાનું મોત બગાડવા હું ઊભો થયો’તો. મારી બાયડીએ એક વાળંદનું કહ્યું માન્યું ! પણ બાયડીને શું કહું ! મેં પોતે જ આવું કાં માન્યું ? પેશાબ કરવા હું ઊભો ન થયો હોત તો આજ આ કાઠીને અફીણ ઘોળવું પડત ને !’ …. પછી ભૂવા આયરે કાળા ખુમાણને બે હાથ જોડી કહ્યું : ‘ભાઈ ! નવું ઝૂમણું તો તમારું જ છે. અને આ બેમાંથી એક ઝૂમણું મારી બે’નને કાપડામાં : આ રૂપિયા એક હજાર ભાઈને વધાવવાના : ના પાડે એને જોગમાયાના સોગંદ છે.’

– ઝવેરચંદ મેઘાણી


Gujarati Navalkatha - ભાગ્યવિધાતા

નેહાબેનને પાંચ વરસ પહેલાનો સમય યાદ આવ્યો

‘શું કરું નેહાબેન, હવે તો આત્મહત્યા કરવાનું મન થાય છે, પણ આ નાના છોકરાં ગળે વળગે છે. બાકી આ ઘરથી ને આવા માણસોથી સાવ કંટાળી ગઈ છું.’ ઇશા આંસુ પાડતી પોતાની મનોવ્યથા નેહાબેન પાસે ઠાલવતી બોલી, ડરતી હોય એમ આસપાસ જોતી, હાથમાં એઠવાડનું વાસણ લઇ એ નેહાબેનના “કેમ છો?”ના જવાબમાં ઈશા રોઈ પડી.

‘આંખો દિવસ ઘરમાં આઠ જણાનું કામ રહે, ઘરમાં નણંદની સુવાવડનો ખાટલો ને સાથે-સાથે સાસુ-નણંદના ટીકા-ટીપ્પણ સાથેના, ઓર્ડર, દિયરની સાપેક્ષમાં પતિ ઓછું કમાય એ પોતાનો વાંક હોય એમ સાસુના મહેણાં-ટોણાં સાંભળવાના મોટા ઘરની સફાઈ, દરેકને પોતાનો અલગ રૂમ, નવરા પડે એટલે બધા પોત-પોતાના રૂમમાં ! મારો નાનો પાર્થ સમજે નહિ એટલે ભૂલમાંય કોઈના રૂમમાં જાય તો ‘ઈશા, આને લઇ લો, તમારા તોફાનીને સંભાળો! આવો તોફાની છોકરો તો બાપના દુશ્મનને’ય ન દેજો’ સાસુમા મોટેથી બોલે ને નણંદ ટહુકે ‘ભાભી મારા છોકરાથી તો આઘો જ રાખજો, મારે આવા તોફાની ના પોસાય!’ બધાનો ગુસ્સો ઠાલવવાનું ઠેકાણું હું અને મારા છોકરા! વહુ થઈને આવી એટલે આ ઘરમાં ખાવામાં પણ અન્યાય!” નેહાબેન રડતી ઇશાની સુકલકડી કાયા અને ઊંડી ઊતરી ગયેલી આંખો અને હાડકાને ચોંટી ગયેલી ચામડીને જોતા એક વખતની સ્વરૂપવાન ઈશાને સાંભળી રહ્યા.

‘મારું ગ્રેજ્યુએશન સાવ એળે ગયું, પિયરમાં મારા પપ્પા હતા તો મારે બહુ આશ્વાસન હતું બે’એક દિવસે એમના ફોનની રાહ રહેતી. પપ્પાના ગયા પછી પિયરનાં દ્વાર પણ બંધ થઈ ગયા! મારું કોઈ ન રહ્યું. શું? હવે મારે આમ જ જિંદગી જીવવાની ?’ પ્રશ્નાર્થ મૂકીને ઈશા એ રાતના અંધારામાં ડરની મારી એમના ઘરમાં જતી રહી.

એ રાત્રે નેહાબેન ઊંઘી ન શક્યા. ઈશા જેવી ભણેલીગણેલી સુંદર દીકરીના કરમાયેલા જીવન વિષે વિચારવા લાગ્યા. એમના મનમાં અનેક પ્રશ્ન ઊઠ્યાં શું આવા જીવનનું કોઈ ભવિષ્ય ખરું? ઈશાને ઘરની ચાર દિવાલમાં જ કેદ રહેવાનું એમને પોતાનો કોઈ આનંદ નહિ? આવી ફૂલ જેવી દીકરીને પ્રેમ વગરના પારકાઓનાં પગ તળે કચડાયા કરવાનું? આવા તો કેટલાય લગ્નજીવનમાં ઈશા જેવા કુમળા છોડ રહેસાતા હોય છે! અને જિંદગી ટુંકાવતા હોય છે… ઈશાને આશ્વાસનનાં બે શબ્દો પણ ન કહી શક્યાનો અફસોસ કરતા નેહાબેન આવતીકાલની બપોરની રાહ જોવા લાગ્યા.

ઘરની બારીમાંથી બપોરના અઢી વાગ્યે ઈશા આ બાજુ એઠું નાખવા આવી ને નેહાબેન બહાર નીકળ્યાં. રસ્તામાં લોકોની અવરજવર ઓછી હતી. એટલે કોઈ જોતું નથી તેની ખાતરી કરી ધીમેથી ઈશાને કહ્યું ‘ઈશા તારા પપ્પા શું કરતા હતા?’ એટલું પૂછતા તો ઉત્સાહથી ઈશા બોલવા લાગી ‘અરે એ તો બહુ મોટા જ્ઞાની માણસ હતા. કર્મકાંડ કરી, નીતિનું ગરીબ જીવન જીવતા પરંતુ એમના સંસ્કાર, પ્રમાણિકતા અને સરળતાની સુગંધ આસપાસના ગામડાઓમાં ફેલાયેલી હતી. એમના ગયા સાથે સર્વસ્વ જતું રહ્યું. મારા ભાગ્ય જ એવા છે.’ ઈશાના મોં પર વેદના લીપાઈ ગઈ. નેહાબેન એમની શિષ્ટ ભાષા સાંભળી પ્રભાવિત થયા. એમણે ઈશાને એક આશાકિરણ આપ્યું. પ્રેમથી ઈશાને કહ્યું “ જો ઈશા તારા પપ્પા તારી સાથે જ છે, એ તારા લોહીમાં વહે છે, તારા સંસ્કારમાં જીવે છે અને તારી ભાષામાં બોલે છે એટલે તું એક કામ કર…” વાત ઝડપથી પતાવતા કહ્યું “તું તારા પપ્પાના વ્યક્તિત્વનું વર્ણન સમય મળે ત્યારે એક કાગળમાં લખીને આપી દેજે…”
‘કેમ?’ એવો પ્રશ્નાર્થ ઇશાની આંખમાં ઝબક્યો પરંતુ તરત જ પપ્પા વિષે લખવાનો આનંદ એમના ચહેરા પર છવાઇ ગયો. અનુભવી અને સ્ત્રીમાનસ અભ્યાસુ એવા નેહાબેને ખાસ નોંધ કરી કે થોડીવાર પૂરતી ઈશાના ચહેરા પરની તંગ રેખાઓ ગાયબ થઇ ગઈ હતી, ખેંચાયેલી ભૃકુટિની જગ્યાએ એમના ચહેરા પર આનંદની રેખાઓ દોરાઇ ગઈ હતી!

હવે નેહાબેનને બીજા દિવસની રાહ હતી પરંતુ આશ્ચર્ય સાથે રાત્રે જ ઈશા પોતાના ઘર તરફ આવતી દેખાઈ રોજ કરતા ઈશાને હળવા ચહેરે જોઈ નેહાબેનને આનંદ થયો. ઈશાએ ગરમકોટના ખિસ્સામાંથી એક ફૂલસ્કેપ કાગળ કાઢી નેહાબેનનાં હાથમાં સરકાવતા બોલી ‘બહેન તમે આનું શું કરશો?’ જવાબમાં નેહાબેન માત્ર હસ્યાં જોયું તો ઈશાએ સુંદર રીતે એમના પપ્પાનું વ્યક્તિચિત્ર શબ્દોમાં કંડાર્યું હતું. સાહિત્યકાર હોવાને કારણે નેહાબેને ઇશાની લેખનશક્તિ પીછાણી અને વખાણી પછી હજુ એકાદ વાર્તા અને કવિતા લખવા ઈશાને પ્રોત્સાહન આપ્યું, માતૃત્વભાવથી લેખન માટે જરૂરી સુચના પણ આપી. બસ, પછી તો આ ઘટનાક્રમ ચાલતો રહ્યો. નેહાબેન દ્વારા ઇશાની વાર્તાઓ-કવિતાઓ સામયિકો-છાપાઓમાં છપાતી રહી. ગઈકાલની નિરાશ અને જિંદગીથી કંટાળેલી ઈશાને જીવવાની નવી દિશા મળી ગઈ, જિંદગીના નકારને ભેદીને એ હકારમાં જીવવા લાગી. નિરુત્સાહી બનેલી ઈશા હવે ઝડપથી ઘરકામ પતાવી ઉત્સાહથી ગમે તેમ કરીને સમય કાઢીને, કાગળ-પેન પકડી લેતી! એમના વિચારપરિવર્તનથી ઘરના સભ્યો સાથે સંવાદિત વાતવરણ ઊભું થવા લાગ્યું. ઈશાના લખાણો વાંચીને ઈશાને માનથી જોવા લાગ્યા એટલું જ નહી પણ ઈશાના કામની પણ કદર કરતા થયા. આજે નેહા તેમની એક વાર્તાની પહેલી વિજેતા હતી. નાના શહેરમાંથી એમના પરિવાર સાથે મોટા શહેરમાં યોજાયેલા ઇનામ મહોત્સવમાં આમંત્રિત હતી ત્યારે તાલીઓના ગડગડાટ વચ્ચે નેહાબેનને પાંચ વર્ષ પહેલાની ઈશા યાદ આવી ગઈ હતી.

ઇનામ સ્વીકારતી વખતે ઈશાએ જાહેરમાં નેહાબેનને પોતાના નવા જન્મદાત્રી, માર્ગદર્શક અને ઇનામના સાચા હકદાર ગણાવ્યા હતા.
‘મેં ઈશા માટે કશું જ કર્યું નથી, એમના લેખનકૌશલ્યને જગાવીને માત્ર યોગ્ય દિશા સૂચન કર્યું છે. ઈશા પોતે જ પોતાની ભાગ્યવિધાતા છે. મહેનત અને લગનથી ઈશાએ એમની ભાગ્યરેખા બદલી નાખી છે.’ લોકોએ નેહાબેનના શબ્દોને તાળીઓથી વધાવી લીધા.

ઈશાના આત્મહત્યા તરફના વિચારોને આત્મખોજ તરફ વાળવાનું નેહાબેનનું સપનું પૂરું થયું. એક મુરઝાયેલી જિંદગીને નવી સુગંધ આપવાના સંતોષ સાથે નેહાબેન ઈશાને ભેટી પડ્યા ત્યારે પોતાની સાથે બીજાની જિંદગીને નિખારવાના સંકલ્પ સાથે ઈશાએ નેહાબેનના ચરણસ્પર્શ કર્યા.

– જાગૃતિબેન રાજયગુરૂ


Friday, July 4, 2014

Gujarati Navalika (નવલિકા) - કેમ કરી કહું…

['જનકલ્યાણ' સામાયિકમાંથી સાભાર.]

‘કેમ બેઠી થઈ ગઈ આભા ? સૂઈ જા !’
‘આ ઝીણી ઘંટડી વાગે છે ને કંઈક ધીમું ધીમું ગવાય છે.
સહેજ ઊંઘ ઊડી તે સંભળાયું.’ ‘અરે, એ તો મમ્મી એના માતાજીને ભોગ ધરાવતી હશે.’
‘આટલા વહેલાં… હજી તો, માંડ સાડા છ થયા હશે.’
‘ઓ, મેડમ આભા… હનિમૂનનું ઘેન ઉડાડો ! કાલ સવારથી તારેય સાડા છએ આ બંદાને બ્રેકફાસ્ટનો ભોગ ધરાવવો પડશે !’
‘ભોગ ધરાવશે આ આત્મા… તેય તને ! સપનાં જોતો રે…’
‘કાલ સવાર તો થવા દે… તું નહીં આપે તો બીજું કોઈ નહીં આપે એમ !’

‘ચલ છોડ હવે તારી ચાગલાઈ ! હું તો ચાલી મમ્મીનું પદ સાંભળવા.’ પાનીનું રબરબેન્ડ સરખું કરતાં આભા પલંગમાંથી ઉતરી પગમાં સ્લીપર ચઢાવી રૂમના બારણા તરફ વળી. સુદીપ પણ ઊભો થયો.

પ્રીતિબહેન તેમના ઘરના નાનકડા મંદિરમાં ધીમી ઘંટડી વગાડતાં ગાઈ રહ્યાં હતાં… ‘કેમ કરી કહું તમને જમો મોરી મા… કેમ કરી કહું તમને… જગને જમાડે તેને મા હું શું જમાડું, કોળિયો ભરાવે મને મા એને હું શું જમાડું…’ આભા અને સુદીપ પૂજાઘરની બહાર ઊભાં રહી ગયાં. પ્રીતિબહેને પગરવ કળ્યો. તેમણે પાછળ વળી જોયું, ‘આવોને બેઉ અંદર, બહાર કેમ અટકી ગયાં ?’ ‘મમ્મી, આ તો તમારો મીઠો અવાજ સંભળાયો એટલે ઊઠીને આવી. અમે તો ના’વા ધોવાનાંય બાકી છીએ હજી.’ ‘કંઈ વાંધો નહીં ! પૂજાઘર ને પૂજાઘરની બહાર બધી જગ્યાએ ધરતીમાતા જ છે ને ! આ તો બધું આપણે ઊભું કર્યું છે. ને તમેય હનીમૂનની ઊંઘ ઉડાડી અહીં સુધી આવી પહોંચ્યા એમાં બધું આવી ગયું.’ આભા-સુદીપ પૂજાઘરમાં જઈ જમીન પર બેસી ગયાં. પ્રીતિબહેને પદ પૂરું કર્યું.


આજે રવિવાર એટલે આખું પદ ગાયું. રોજ તો સ્કૂલે જવાનું એટલે એક બે લીટી ગાઈ ભગવાનને પટાવી દઉં ! ચાલો હવે તમે લોકો શાંતિથી પરવારો. પછીથી પહેલાં અહીં મંદિરમાં પગે લાગી નાસ્તા માટે આવજો બસ ! આભા-સુદીપ પરવારવા ગયાં લગ્ન પછી ફરવા જઈ આવીને શનિ સાંજે તે લોકો આવ્યાં હતાં. નવા ઘરમાં આભાની તો આ પહેલી સવાર હતી. આગલે દિવસ સામાન થોડો છૂટો પડયો હતો. લીચી-અખરોટ-સફરજનનું બાસ્કેટ રસોડામાં આભાએ પહોંચાડયું હતું. પણ બધાં માટેની ભેટો હજી બેગમાં હતી. આભાએ તે બહાર કાઢી જુદી મૂકી. કપડાં વોર્ડરોબમાં મૂકયાં. ધોવાનાં જુદાં કાઢયાં.

‘એય… આમ સિઝન્ડ ગૃહિણીની જેમ શું કામે વળગી છો ! ચલ, નાહી કરીને ફ્રેશ થા… તું હજી નવી દુલ્હન છો ! સવારની મીઠી ઊંઘ તોડી ‘માને દરબાર’ પહોંચી ગઈ’તી પાછી !’ ‘જાઉં છું હવે ના’વા ! પંદર દિવસ આટલું ફરી આવ્યાં તોય હજી ‘નવું પરણ્યું, નવું પરણ્યું કરે છે ! ચલ… જમીન પર પગ મૂક, ખયાલી વાદળોમાં આળોટવાનું બંધ કરીને !’ ‘હાશ, ભગવાન ! આ તો સાચ્ચે જ ઘરવાળી થઈ ગઈ છે !’ કરતો ટુવાલ લઈ સુદીપ ટોયલેટમાં ઘુસ્યો. નાહી પરવારી બંને રૂમની બહાર જવા બારણા પાસે પહોંચ્યાં. આભાએ તેઓ લઈ આવ્યાં હતાં તે ચીજો જોડે લીધી. એ બધાં સામે જોઈ, આભાને ખભે હાથ વીંટળાવતાં સુદીપ બોલ્યો, ‘લઈ લીધું ને બધું. હવે જોજે આ બંદાના લાડ ! ચાગલાઈ છોડવાની વાત કરતી’તી ને…’ સુદીપે બારણાની કડી ખોલી.

‘આઘો રહે હવે થોડો ! પૂજાઘરમાં જવાનું છે !’ ‘હાશ, તોબા, આ આદર્શ બહુરાનીથી…’ કહી ઝીણી ચીમટી ભરી એ આભાથી અળગો થયો. પૂજાઘરમાં ભગવાનને માથું નમાવી બંને ડાઈનિંગરૂમમાં આવ્યાં. પ્રીતિબેન ને શ્યામલભાઈને તેમને માટે લાવેલ ભેટ પગે લાગી આપી પછી નાસ્તાના ટેબલ પર બેઉ ગોઠવાયાં. ‘ઊભા રે’ જો… નાસ્તો શરૂ ન કરતાં !’ કહેતાં પ્રીતિબેન ઊઠયાં ને ફ્રીઝ ખોલી સ્ટીલનો ગ્લાસ કાઢ્યો. ‘નૈવેદ…!’ જોડે બેઠેલ આભાને હળવેકથી પગ અડાડી મારી સુદીપ આંખ નચાવતો બોલ્યો. પ્રીતિબેને આચમનીથી શ્યામલભાઈને અને પછી સુદીપને નૈવેદ આપી આભા પાસે જઈ નૈવેદનો ગ્લાસ તેને હોઠે ધર્યો. ‘મમ્મી…!’ આભા આશ્ચર્ય, ખચકાટથી ઊભી થવા ગઈ. ‘બેસ… બેસ… આજે આ ઘરમાં તારો પહેલો દિવસ છે. માનું નૈવેદ આજ મારા હાથે પી તું.’

‘મમ્મી, નોટ ફેર ! આ નૈવેદ પર તો મારો હક છે. ને દસમી પાસ થયો ત્યાં સુધી તું મને નૈવેદ મોઢે માંડી પીવડાવતી. પછી કહેવા માંડી કે જાતે પી મોટો થયો, ને, આ આજકાલની આવેલીને મારા ભાગનું નૈવેદ આપી દે છે, પાછી આવડી મોટીને તું ચાગલી કરે છે !’ ‘હા, તે ઘરમાં જે સૌથી નાનું હોય એને જ ચાગલું કરાય. હબે નિવેદના ગ્લાસ પર આભાનો હક… ને ચાગલાઈ પર પણ ! હવે મોટો થતાં શીખ, તું પરણ્યો છે તે !’ સુદીપને માથે હળવેથી હાથ પસવારી પ્રીતિબેન પોતાની જગ્યાએ બેઠાં.

ને… પછી તો લાડ… ચાગલાઈ… ને જવાબદારીનાં, મોટાં થવાનાં વર્ષો વહેતાં રહ્યાં. સુદીપ-આભાની બે જોડકી દીકરીઓય ચાગલાઈ ભોગવી મોટી થઈ પરણી ગઈ. બેયનાં છોકરાં હવે તો લાડ-ચાગલાઈના હકદાર થઈ ગયાં. પ્રીતિબહેનની નોકરી પૂરી થઈને નિવૃતિનાં વર્ષોય વહેતાં ચાલ્યાં. હવે તો ઘરમાં રોજ તેમનું પદ,

‘કેમ કરી કહું તમને જમો મોરી મા…’ આખું ગવાતું રહેતું. જિંદગીની દડમજલમાં પ્રીતિબહેનને અચાનક હાર્ટએટેક સાથે લકવાનોય એટેક આવ્યો. હોસ્પિટલથી ઘેર આવ્યા પછી જેકથી ઊંચા નીચા થાય તેવા પલંગમાં તેમને ‘બેડરેસ્ટ’ આવ્યો. લકવાને લીધે બોલવા પર અસર પડી તે બોલવાનુંય બંધ થઈ ગયું. અશક્તિને કારણે જાતે ખાઈ ન શકતાં. આભા બધું ચમચીથી ખવડાવતી.

‘મમ્મી, થોડું મોં ખોલો ને ! સૂપ સરસ છે, તમને ભાવે તેવો ગળ્યો છે.’ બારણા પાસેથી પસાર થતાં આભાનું કહેવું સાંભળી સુદીપ અટકયો ને અંદર ગયો. મા બહુ ઓછું ખાય છે, ના ના કરે છે… એ આભાનું કહેવું તેને યાદ આવ્યું. ‘કેમ, મમ્મી સાવ નથી ખાતાં આભા ?’ ‘હા, જોને હાથ હલાવી ના જ પાડે છે. ચમચી હોઠ પાસે
લઈ જાઉં છું તોય હોઠ જરાય નથી ખોલતાં દીપ !’

સુદીપ મમ્મીને જોઈ રહ્યો. પલંગ પર આભા સૂપની વાટકી ચમચી લઈ બેઠી હતી. એક વખતનો પ્રીતિબહેનનો જાજરમાન ચહેરો સાવ નાનકડો થઈ ગયો હતો – જાણે નાની બાળકી હોય ! પલંગમાં ઓશિકાંને ટેકે અર્ધાં બેસાડયાં હતાં, પણ તે જાણે ઢળી પડશે એવું લાગતું હતું. તે પલંગ પાસેની ખુરશીમાં બેઠો. મમ્મીને જોયા કર્યું એણે. પછી માને માથે હાથ ફેરવતાં અચાનક તેને મોઢેથી સરી પડયું…
‘કેમ કરી કહું તમને જમો મોરી મા… કેમ કરી કહું…’ બીજી લીટીમાં આભાનોય અવાજ જોડે ભળ્યો. પ્રીતિબહેનની આંખના ખૂણે પાણીનું ટીપું બાઝ્યું, તે જરાતરા મલકયાં. આભાએ સૂપની ચમચી ભરી.
‘ચલો મમ્મી સૂપ પીઓ ! હવે ચાગલા થવાનો વારો તમારો !’ જરીક ઉઘડેલા હોઠમાં સૂપની ચમચી સરી… સુદીપના અવાજમાંથી સરતા ‘કેમ કરી…’ પદની જેમ…

– નિર્ઝરી મહેતા

Thursday, July 3, 2014

Gujarati Navalika (નવલિકા) - વાંક

['જલારામદીપ' સામાયિકમાંથી સાભાર.]
દિવાળીના દિવસો હોવાથી કામનો બોજ વધારે રહેતો, એટલે રિસેસ સુધી તે મોબાઈલ બંધ રાખતો. હજુ તો તે ઑફિસ પહોંચ્યો હતો. ખુરશી પર જગ્યા લઈ મોબાઈલ સ્વીચ ઑફ કરવા જતો હતો ત્યાં એમાં રિંગ વાગી. સ્ક્રિન પર પાડોશી મુકુન્દભાઈનું નામ જોઈને એને થોડી નવાઈ લાગી. મુકુન્દભાઈ સામે મળ્યે ય ભાગ્યે જ બોલતા. ઉતાવળે એણે ફોન રિસિવ કર્યો… ‘હેલ્લો વિશાલભાઈ… રેખાબહેન બાથરૂમમાં લપસી ગયાં છે. બેભાન થઈ ગયાં છે. ૧૦૮ બોલાવીને સમજુબા હૉસ્પિટલમાં દાખલ કર્યાં છે. તમે તાત્કાલિક ત્યાં આવી જાવ.’

મુકુન્દભાઈનો અવાજ જે રીતે ધ્રૂજતો હતો એના પરથી એને લાગ્યું કે મામલો ખૂબ ગંભીર છે. ‘ઘેરથી ફોન છે. હું જાઉં છું.’ બાજુના ટેબલ પર બેસતા કલીગને એટલું કહેતો તે ચાલતો થઈ ગયો. ‘પણ છે શું ?’ ‘કેમ એકાએક ?’ ‘કોઈ બીમાર છે ?’ એકસાથે થયેલા આ પ્રશ્નોના જવાબ આપવા તે ઊભો ન રહ્યો. વિશાલના હ્યદયના ધબકારા વધી ગયા હતા. ઘડીક તો થયું, પોતે સ્કૂટર નહીં ચલાવી શકે. પરંતુ રિક્ષા શોધવામાં સમય લાગી જાય એમ હોવાથી તેણે હિંમત કરીને સ્કૂટર મારી મૂકયું. મન પર વિચારો હુમલો કરી રહ્યા હતા. એવું તે શું થઈ ગયું હશે રેખાને ? ઑફિસ જવા નીકળ્યો ત્યારે એ બોલી હતી કે આજ તો કપડાંની આખા વર્ષની ધોણ કાઢવી છે. સાંજે તમે આવશો ત્યારે ધોઈ રહું તો સારી વાત છે. ‘શરદી ન થઈ જાય એનું ધ્યાન રાખજે.’ એનાથી ટકોર થઈ ગયેલી.

‘એવું થયું તો તમે મારો વાંક કાઢવાના જ કે…’ રેખા પૂરું બોલી રહે એ પહેલાં એ નીકળી ગયેલો. ‘વાંક’ શબ્દ સાંભળીને એને ચીડ ચડતી હતી. કારણકે બધે તે ‘વાંકદેખા’ થી પંકાઈ ગયો હતો. એમાં ખોટું પણ શું હતું ? ઘરમાં હોય કે ઑફિસમાં, ખાતો હોય કે નહાતો હોય, જાગતો હોય કે ઊંઘતો હોય, એને બધે સૌની ઊણપ જ વરતાતી. ‘ચામાં ખાંડ કેમ ઓછી છે ? શાકમાં આજે મીઠું વધારે પડી ગયું લાગે છે. કપડાં તો કોઈ દિવસ બરાબર ધોવાતાં નથી. ઈસ્ત્રી હવે મારે જ કરવી પડશે.’ દરેક કામમાં પૂરતી કાળજી રાખવા છતાં રેખાને આ ફરિયાદનો ફડફડાટ રહેતો જ. એટલે તો તે આગોતરા જામીન મેળવી લેનાર અપરાધીની માફક અગાઉથી જ કહી દેતી કે એમાં મારો કોઈ વાંક નથી. આ સાંભળીને વિશાલ વધારે ચીડાતો : ‘તો શું મારો વાંક છે ?’


દરરોજની આ ટક્ટકથી રેખા ઘણીવાર તો રડી પડતી : ‘બે માણસોના પરિવારમાં આટલો કકળાટ થાય છે તે ભવિષ્યમાં મારું શું થશે ?’ વિશાલ હૉસ્પિટલ પર પહોંચ્યો ત્યારે મુકુન્દભાઈ એની રાહ જોતા દરવાજા પાસે ઊભા હતા. વિશાલ એમને સહસા પૂછી બેઠો : ‘કયાં છે રેખા ? શું થયું છે એને ? ‘આઈ.સી.યુ. માં છે.’ ‘આઈ.સી.યુ. માં ?’ એ ધ્રૂજી ઊઠયો. ‘એની વે, મને એની પાસે લઈ જાવ.’ ‘અત્યારે આપણને ત્યાં નહીં જવા દે.’ આપણે મુલાકાતીઓની રૂમમાં જ બેસવું પડશે.’ મુકુન્દભાઈ એને મુલાકાતીઓની રૂમમાં લઈ આવ્યા. ત્યાં બીજા ચારપાંચ સ્વજનો બેઠા હતા. એમાંનાં વીમળાબહેન સામે જોઈને પૂછી બેઠો : ‘કેમ કરતાં રેખા સ્લિપ થઈ ગઈ ?’ ‘કોઈનો ફોન આવ્યો ને બાથરૂમમાં ઊભાં થવાં ગયાં એમાં….’

એની આ જ તકલીફ છે. ફોન આવે કે રઘવાઈ થઈ જાય. શી જરૂર હતી ઉતાવળ કરવાની ? ફોન ઉપાડવામાં
મોડું થઈ ગયું તો સામેવાળા બીજીવાર ફોન કરશે.’

‘આમાં તો રેખાબહેનનો વાંક નથી. વિમળાબહેન બચાવપક્ષના વકીલની માફક બોલી ઊઠયાં :
‘રેખાબહેન તો એકદમ શાંતિથી ઊભાં થયાં હતાં. પણ કોણ જાણે… બનવા કાળ હશે ને…’
‘છોડો એ વાત.’ એને ભાન થયું કે અત્યારે આવી ચર્ચા ન કરવી જોઈએ એટલે વાત ફેરવી નાખી :
‘ડૉકટર કયાં છે ? એમને તો મળી શકાશેને ?’
‘વિઝિટમાં ગયાં છે. થોડીવારમાં આવવા જ જોઈએ.’

 એની વ્યાકુળતા વધતી જતી હતી. રેખા સાથે એને દરરોજ ચડસાચડસી થતી, તેમ છતાં રેખા વિના એને એક મિનિટ પણ ચાલતું નહીં. રેખાનું કામ ખોટું થતું હોય તો પણ એને પોતાની પાસે જ બેસાડી રાખતો. ત્યારે રેખા એને સંભળાવ્યા વગર રહેતી નહીં, ‘સામે બેસાડીને તમે મારો વાંક કાઢવાનાને ? વખાણ થોડા કરવાના ?

એટલામાં ડૉકટર આવી ગયા. એ ડૉકટરની કૅબિન તરફ ઘસી ગયો. એટલી જ ઝડપે પૂછી બેઠો : ‘શું થયું છે રેખાને, સાહેબ ?’

‘પહેલાં તમારો શ્વાસ હેઠો બેસવા દો. પછી હું કહું છું.’

‘હું એકદમ સ્વસ્થ છું, સાહેબ.’

‘તો સાંભળો, તમારી પત્નીને બ્રેઈન હેમરેજ થઈ ગયું છે. ચોવીસ કલાક સુધી તો કહું કંઈ નહીં કહી શકું.’
‘પણ એમાં એને એટલું બધું કેમ કરતાં વાગી ગયું ?’

‘એ બધું વિચારવાનો સમય નથી. અત્યારે તો આપણે ભગવાનને પ્રાર્થના જ કરવી રહી.’
ખામોશ ચહેરે એ ડૉકટરની કૅબિન નીકળી ગયો.

એક સ્વજને આશ્વાસન આપતાં કહ્યું : ‘બહુ ચિંતા ન કરો. બધાં સારાં વાનાં થઈ જશે.’ ચોવીસ કલાક પસાર કરવાના હતા. રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી એને ચેન પડી શકે એમ નહોતું. મિત્રોએ ચા પીવા માટે કૅન્ટિમાં આવવા બહુ સમજાવ્યો પણ એ તૈયાર ન થયો. મુલાકાતીઓની રૂમમાં બેઠો હતો ત્યાં જ બેઠો રહ્યો. રેખા અત્યારે મન પરથી એક ક્ષણ માટે પણ દૂર થઈ શક્તી નહોતી. એ વિચારતો રહ્યો :

‘રેખા ભાનમાં આવશે ત્યારે પોતે એને મળવા જશે કે તરત બચાવ કરવા માંડશે કે.. પણ એને એવી તક જ નથી આપવી. પોતે કહી દેશે કે તારો એમાં કોઈ વાંક જ નથી. તેં તો મારું ઘણીવાર ધ્યાન દોરેલું કે આ ટાઈલ્સ બદલાવી નાખો, પણ મેં કયારેય તારી વાતને ગંભીરતાથી લીધેલી જ નહીં.’

સાંજ ઢળી ગઈ હતી. રાત્રિભોજન માટે એને બહુ સમજાવવામાં આવ્યો પણ એ એકનો બે ન થયો. રેખા ભાનમાં આવે પછી જ હું જમીશ એવી એણે હઠ પકડી હતી.

‘પણ એટલી વાર તમે રાહ જોઈ શકશો ?’ વિમળાબહેનથી અનાયાસે બોલાઈ ગયું. ભાન થયું કે એમણે સુધારી લીધું : ‘રેખાબહેન ચોવીસ ક્લાકે ભાનમાં આવશે. કદાચ એથી પણ વધારે સમય નીકળી જાય ત્યાં સુધી તમારે ભૂખ્યા ન રહેવું જોઈએ. ચિંતા તો એમને પણ થાય છે પણ શું કરીએ ?’

વિમળાબહેન અને એમનું મકાન એક દીવાલે હતું એટલે એ પોતાના ઘરની પ્રત્યેક હિલચાલથી વાકેફ હતાં. સાંજે પોતાને સહેજ પણ જમવામાં મોડું થાય એ ચાલતું નથી એના એ સાક્ષી હતાં. એટલે જ કદાચ પોતને જમવા માટે આટલો આગ્રહ કરતાં હશે. પછી તો વિશાલને ઘણું બધું યાદ આવી ગયું. હજુ અઠવાડિયા પહેલાં જ આ બાબતે રેખા સાથે ચડભડ થયેલી. પોતે ઑફિસેથી આવ્યો ત્યારે રેખા શાક શમારતી હતી. એનો ક્રોધ ભભૂકી ઊઠેલો : ‘હજુ શાક બનાવાનું બાકી છે ?’

‘બનાવ્યું હતું પણ પાણી ભરવા રહી એમાં બળી ગયું.’
પાણી સાંજે રસોઈ કરવાના સમયે જ આવતું હતું. એ અડધો કલાક ચૂકી ગયા તો આખો દિવસ પાણી વિનાનું રહેવું પડે. એટલે આ બંન્ને કામો એક સાથે કરવામાં ખૂબ સાવચેતી રાખવી પડતી.
‘તો શાક વહેલા ના બનાવી લેવાય ?’
‘ઠરેલું તો તમારે ક્યાં ચાલે છે ?’
‘તો પછી પાણી ભરી લીધા પછી રસોઈ કરવી હતી.’
‘રસોઈમાં મોડું થાય એ તો તમારે બિલકુલ ચાલતું નથી એનું શું ?’
‘એટલે તું એમ જ કહેવા માંગે છે કે મારી કોઈ જવાબદારી જ નથી.’ એ ગુસ્સે થઈ ઊઠેલો :
‘એમ કર, આ મકાનની દીવાલો પર લખી નાખ કે કોઈ કામમાં મારો કશો વાંક જ નથી.’
‘હું કયાં એવું કહું છું ? રેખા રડી પડેલી.

‘કયારેક મારાથી ભૂલ થઈ ગઈ તો ચલાવી નહીં લેવાની ? કાયમ એવું થોડું થાય છે ?’
રાત્રે કોઈએ એને એકલો મૂકયો નહીં. જેને જયાં જગ્યા મળી ગઈ ત્યાં સૂઈ ગયાં. એને તો ઊંઘ આવી શકે. એમ નહોતી.

જો કે વહેલી સવારે એને ઝોકું આવી ગયું ત્યાં વિમળાબહેને ઊઠાડયો : ઊઠો, ઊઠો, વિશાલભાઈ, આઈ.સી.યુ. વૉર્ડમાં સાહેબ બોલાવે છે.’ એ સફાળો ત્યાં આવ્યો. પૂછવાની કયાં જરૂર જ હતી ? વિમળાબહેનનાં હિબકાં જ કહી આપતાં હતાં કે….

એણે શાંતિથી સૂતેલી રેખાને પહેલીવાર જોઈ. એને થયું, હમણાં રેખા બોલી ઊઠશે કે ‘એમાં મારો કોઈ વાંક નથી.’

‘કેમ તારો વાંક નથી ?’ એનાથી ડૂસકું ભરાઈ ગયું.
‘તું મને આવી રીતે એકલો મૂકીને ચાલી નીકળે એ તારો વાંક જ ને ?’
ને એ પોક મૂકી બેઠો. આખી હૉસ્પિટલ જાણે રડી ઊઠી !

જિતેન્દ્ર પટેલ


Wednesday, July 2, 2014

Gujarati Navalkatha - આ મારા પ્રેમ વિશે તારો શું ખ્યાલ છે?

‘આ ઝાડનું નામ ‘લવ લીમડો’ શી રીતે પડ્યું એ સમજાઇ રહ્યું છે!’ ઇલાબહેને સ્મિત ફરકાવ્યું. એ સ્મિતમાં એમના દેહ ઉપર ચડેલા પિસ્તાલીસેક જેટલાં વર્ષો ખરી પડ્યાં.

એક જ જવાબ દે, મારો એક જ સવાલ છે
આ મારા પ્રેમ વિશે તારો શું ખ્યાલ છે?


સાંજના સાડા સાત થવા આવ્યા હતા. શહેરથી દૂર આવેલા એક જમાના જૂના બગીચાના ઝાંપા આગળ એક સિત્તેર વર્ષની વૃદ્ધા આવીને ઊભી રહી. રિક્ષાવાળો ગયો, એ પછી એ બગીચામાં દાખલ થઇ. ‘પચાસ વરસ પૂરાં થઇ ગયાં!’ એ બબડતી હતી : ‘આજના દિવસે આ જ સમયે એણે મને મળવાનો વાયદો કર્યો હતો.’ 

આવું સ્વગત બોલતી એ વૃદ્ધા સીધી બગીચાના છેવાડે આવેલા ‘લવ લીમડા’ આગળ જઇ પહોંચી. ‘લવ લીમડો’ આમ તો બીજા લીમડાઓ જેવો એક સીધો-સાદો લીમડો જ હતો, પણ દાયકાઓથી આ ઝાડ એના થડને અઢેલીને બેઠેલાં સેંકડો-હજારો પ્રેમીપંખીડાંની પ્રણયકેલીનું સાક્ષી રહ્યું હતું.
અત્યારે પણ એને ફરતે વીંટાયેલા ગોળ ઓટલા ઉપર બે-ત્રણ કબૂતર-જોડી ‘ગટર-ગૂં’ કરતી બેઠેલી હતી. ડોશીને આવેલી ભાળીને બાપડા કબૂતરો ઊભાં થઇ ગયાં! ચલ ઊડ જા રે પંછી, કે અબ યે પેડ હુઆ બેગાના..!

અને એમણે જે કર્યું એ સારું જ કર્યું, કારણ કે પેલી વૃદ્ધાએ તો ઓટલા ઉપર બાકાયદા બેઠક જમાવી દીધી. અધૂરામાં પૂરું બે જ મિનિટ પછી ત્યાં બીજી એક ડોશી પણ આવી પહોંચી. પાંચ મિનિટ બાદ ત્રીજી, ચોથી… પાંચમી… છઠ્ઠી અને સાતમી..! સાતેયની ઉંમર પાંસઠ-સિત્તેરથી વધારે દેખાતી હતી. બધી જ રંગરૂપે ગોરી હતી. દરેક ખંડેર જાણે કહેતું હતું કે ‘કભી ઇમારત બુલંદ થી’!

‘ઠંડી સારી એવી પડવા માંડી છે, નહીં? સગુણાદેવીએ સાડલા ફરતે મોંથી કાશ્મીરી ‘શાલ’ વીંટાળતા વાતની શરૂઆત કરી.

‘હા, કોઇને આપેલું વચન નિભાવવાની વાત ન હોત, તો આવી ઠંડીમાં, આવા સમયે ઘરની બહાર નીકળવાનું સાહસ હું ક્યારેય ન કરું!’ સૌથી પહેલાં બગીચામાં પ્રવેશ કરનાર અરુંધતી દેવીએ દાંત કકડાવતા 

‘કોમેન્ટ’ કરી. ‘વચન? અને આ ઉંમરે? શાનું વચન?’ અગિયાર લાખની ગાડીમાં બેસીને પધારેલાં અંજનાબહેને પૂછ્યું.

અરુંધતીદેવીના રૂપાળા ચહેરા પરની કરચલીઓમાં ગુલાબી શેરડા ઊપસી આવ્યા, ‘અડધી સદી પહેલાંની વાતો છે બધી! ત્યારે હું વીસ વર્ષની હતી. તમે કલ્પના કરી શકો છો કે જો અત્યારે હું આવી હોઉં, તો ત્યારે કેવી હોઇશ! મને ચાહનારાઓની ખોટ ન હતી.

પણ એમાં એક પુરુષ મારો સાચો પ્રેમી હતો. અદ્ભુત હતો એ! અમે બે વર્ષ સાથે હર્યા, ફર્યા, પ્રેમ કર્યો, ખૂબ મજા માણી. શરીરની લક્ષ્મણરેખાઓ તો ભાંગીને ભૂક્કો કરી નાખી. પણ અફસોસ! અચાનક એને મુંબઇ જવાનું થયું. પછી અમે ક્યારેય મળી ન શક્યાં.’

‘લગ્ન?’ નીલાક્ષીબહેને બાકીની બધી જ સ્ત્રીઓના મનમાં રચી રહેલો સવાલ હોઠ ઉપર લાવી દીધો.
‘એ મુંબઇથી પાછો ફરે એ પહેલાં તો મારા માવતરે મને બીજા મુરતિયા સાથે પરણાવી દીધી. પણ છૂટાં પડતાં પહેલાં છેલ્લી વાર અમે આ જ સ્થળે મળેલાં! આ વૃક્ષ અમારું કાયમી મિલનસ્થળ હતું. એને કદાચ ભાવિની ગંધ આવી ગઇ હશે. એટલે જ એણે મારી પાસે વચન માગેલું, જ્યારે દેહ ક્ષીણ થઇ જાય, સેક્સનું મૃત્યુ થઇ જાય, સંસારમાંથી પરવારી જવાય, ત્યાર પછી એક વખત મને મળવા માટે તું આ લીમડા નીચે આવીશ!

મેં એને વચન આપ્યું હતું, એટલે હું આજે આવી છું. મને ખબર નથી કે અત્યારે એ ક્યાં હશે, કદાચ જીવતો હશે કે પછી… ન પણ હોય! પણ મને એ વાતનો ગર્વ છે કે હું તો આ ઉંમરે પણ એણે કહેલી તારીખે અને સમયે, માત્ર અમારા પ્રેમને ખાતર આજે…’

‘એ તો કંઇ ન કહેવાય!’ નીલાક્ષીબહેને મોં મચકોડ્યું, ‘ખરું વચન-પાલન તો મેં કર્યું છે! કારણ કે મને તો ખબર છે કે મારો પ્રેમી અત્યારે આ દુનિયામાં હયાત નથી. જ્યારે હું કુંવારી હતી અને એની નિશાનીને મારા દેહમાં ઉછેરવાની શરૂઆત હતી, ત્યાં જ અમારે છૂટાં પડવાનું બન્યું.

એની આંખમાં મજબૂરી હતી, મારી આંખોમાં આંસુ. એ અમેરિકા જઇ રહ્યો હતો. બીજે દિવસે એનું વિમાન તૂટી પડ્યું! પણ એને હું ભૂલી શકી નથી. કે નથી ભૂલી મેં આપેલા વચનને! આજના દિવસે, આ સમયે, આ જ બગીચામાં અમે મળવાનાં હતાં. હું તો આવી ચૂકી છું અને મને વિશ્વાસ છે કે એ પણ આવશે, ભલે વ્યક્ત સ્વરૂપે નહીં તો અવ્યક્ત રૂપમાં… પણ એ આવશે જરૂર..! અમારો પ્રેમ સાચો હતો.’

‘ઊહ..!’ સગુણાબહેને છણકો કર્યો, ‘પ્રેમ સાચો તો બધાંનો હોય છે, પણ શ્રેષ્ઠ પ્રેમ તો મેં માણ્યો છે. મારો પ્રેમી દુનિયાના તમામ પુરુષો કરતાં વધુ સોહામણો અને વધુ રોમેન્ટિક હતો. એની સાથે મને જે સંતોષ મળ્યો છે, એવો તો મારા પતિ પાસેથી પણ ક્યારેય નથી મળ્યો!’

‘તો પછી તમે એને જ તમારો પતિ શા માટે ન બનાવ્યો?’ ગીતાબહેને પૂછ્યું.

‘એના હાથ બંધાયેલા હતા. બાકી હું ના પાડું? એનો બાપ મરણપથારીએ હતો અને એણે મારા પ્રેમી પાસે પાણી મુકાવ્યું : ‘હું કહું એ છોકરી સાથે લગ્ન કરવાનું વચન આપ, તો જ મારો જીવ સદ્ગતિ પામશે.’ બિચારો શું કરી શકે? છેલ્લે આજથી ચાલીસ વર્ષ પહેલાં અમે છૂટાં પડ્યાં, ત્યારે આ જ લીમડા હેઠળ.

‘સમજી ગઇ! આ ઝાડનું નામ ‘લવ લીમડો’ શી રીતે પડ્યું એ હવે મને સમજાઇ રહ્યું છે!’ ઇલાબહેને સ્મિત ફરકાવ્યું. એ સ્મિતમાં એમના દેહ ઉપર ચડેલા પિસ્તાલીસેક જેટલાં વધારાનાં વર્ષો ખરી પડ્યાં. એ પચીસનાં થઇ ગયાં.

‘મારા કિસ્સામાં તો મારા પિતા જ વિલન બન્યા હતા. મારો પ્રેમી તો લગ્ન માટે પણ તૈયાર હતો. હું એને જાણતી હતી એટલે તો એને મારું શરીર..! પણ એ સાવ મુફલિસ હતો, જ્યારે હું ખૂબ જ પૈસાદાર બાપની દીકરી હતી! પછી તો એ પણ ખૂબ કમાયો. પણ ત્યાં સુધીમાં તો બાજી ખેદાન-મેદાન થઇ ચૂકી હતી! છેલ્લે…’
‘બસ! બસ! છેલ્લા દ્રશ્યની વાત કરવી રહેવા દો! આપણા બધામાં એક વાત ‘કોમન’ છે. પ્રેમીઓ જુદા, છૂટા પડવાનાં કારણો જુદાં, પરંતુ દરેકની કથાનું અંતિમ દ્રશ્ય એકસરખું જ! લવ લીમડાની સાક્ષીએ, જિંદગીની પાનખરમાં એક ચોક્કસ દિવસે અને ચોક્કસ સમયે આ સ્થળે મળવાનું વચન આપવું અને લેવું! બહુ વિચિત્ર લાગે છે!’

સરસ્વતીદેવીના મોં ઉપર આશ્ચર્ય હતું. એમનાં વાક્યો કહી આપતાં હતાં કે આજથી ત્રીસ, ચાલીસ કે પચાસ વરસ પહેલાં એમના જીવનમાં પણ એક પુરુષ આવ્યો હતો, જે નિ:શંકપણે દુનિયાના તમામ પ્રેમીઓ કરતાં શ્રેષ્ઠ હશે, સોહામણો હશે અને સૌથી વધારે રોમેન્ટિક હશે.

એક પછી એક વિશ્રંભકથાઓનાં ખાનગી પ્રકરણો ખૂલી રહ્યાં હતાં અને સમયનો કાંટો આઠના આંકડા તરફ ખસી રહ્યો હતો. અંધારું પૃથ્વીને આશ્લેષમાં લઇ રહ્યું હતું. દૂર-દૂરથી કૂતરાં ભસવાના અવાજો આવી રહ્યા હતા. અત્યાર સુધીમાં બગીચાનો ચોકીદાર ચાર-પાંચ વાર ચક્કર મારી ગયો હતો.

એ જ્યારે નજીક આવ્યો ત્યારે વીસ-પચીસ વર્ષની સાતેય મુગ્ધાઓ એટલી વાર પૂરતી પુન:વૃદ્ધા બની જતી હતી! ચોકીદારને તો કંઇ કહી શકાય નહીં, પણ ખલેલ પાડનારાં બીજાં પરિબળોને તેઓ ધમકાવી નાખતી હતી.

એક ચાવાળો, એક ચણાજોરગરમના ખૂમચાવાળો, બે-ચાર પ્રેમીયુગલો, બે-ચાર ગુંડાઓ, જે જે લોકોએ ‘લવ લીમડા’ તરફ કુદ્રષ્ટિ કરવાની કોશિશ કરી, એ બધાને તગેડી મૂકવામાં આવ્યા.

સામેના ટાવરમાં આઠના ટકોરા પડ્યા. એ સાથે જ સાતેય પ્રેમિકાઓ ટટ્ટાર થઇ ગઇ. દરેકને એના પ્રેમીના આગમનની તીવ્રતમ પ્રતીક્ષા હતી. શું થશે? એ આવશે? બધા એકસાથે ભેગા તો નહીં થઇ જાય ને? એ વખતે કોઇ ત્રાહિત વ્યક્તિ ક્યાંકથી આવી ચડશે તો શું થશે?

‘ઐ…માઇ.., કોઇ ભિખારીને પાઇ-પૈસો આલશો… માઇ-બાપ..? તંઇણ દા’ડાથી ખાધું નથી. ભગવાન તમારું ભલું કરશે…’ કરતોક ને ક્યાંકથી એક ભિખારી ચડી આવ્યો. સાતેય વૃદ્ધાઓએ પોતાનાં પર્સ ઉઘાડ્યાં. કોઇએ પાંચ તો કોઇએ દસ રૂપિયા કાઢીને ભિખારીના શકોરામાં મૂક્યા.

પેલો તરત જ રવાના થઇ ગયો. પણ સગુણાબહેનની નજર એના હાથમાંથી સરકી ગયેલા એક કાગળ ઉપર પડી. પહેલાં તો એમને થયું કે દસની નોટ પડી ગઇ હશે, પણ ઉપાડીને જોયું તો ચિઠ્ઠી હતી. આંખો ખેંચી-ખેંચીને સાતેય જણીઓએ કાગળ વાંચ્યો.

અંદર લખ્યું હતું : ‘અફસોસ! તમે મને ઓળખી ન શક્યાં. મેં આ શહેરની શ્રેષ્ઠ સાત સુંદરીઓને મારી જાળમાં ફસાવી, ભોગવી અને પછી અલગ-અલગ બહાનાં બતાવીને છોડી દીધી. જ્યાં તમારા જેવી મૂર્ખ પ્રેમિકાઓ હોય ત્યાં મારા જેવા લંપટ પુરુષો ભૂખે નથી મરતા!

આ વાતનું ભાન કરાવવા માટે જ આટલા વરસે હું તમને મળવા માટે આવ્યો હતો. બાકી હું સુખી છું. તમારો આભાર, કારણ કે હું ભમરાના વેશમાં હોઉ કે ભિખારીના, મેં જે માગ્યું છે એ તમે આપ્યું જ છે!’

(શીર્ષક પંક્તિ : મરીઝ)

Gujarati Navalkatha - પ્યાસ સમજી ના શકી એ ઝાંઝવાનું જળ હતું.

મને બચાવવાનો એક જ રસ્તો છે, મારી સાથે લગ્ન કરી તમારા દેશમાં બોલાવી લો! હું તમને બોજારૂપ નહીં બની રહું. તમે મારી કાયાની સાથે-સાથે મારા કલદારનો પણ ભોગવટો માણી શકશો.

ત્રીસ વરસનો વરદાન વસાવડા નવરાશની પળોમાં લેપટોપ સાથે સંવનન કરતો બેઠો હતો, ઇન્ટરનેટ ઉપર એક મેઇલ વાંચીને એ ચમક્યો: ‘મારું નામ શર્લી.’ હું સેનેગલ નામના દેશમાં જન્મેલી એક કમનસીબ યુવતી છું. કુંવારી છું. મારી ઉંમર ચોવીસ વરસ છે. મારી દાસ્તાન બહુ કરુણ છે.

વરદાનને રસ પડ્યો. આ દેશમાં જુવાન છોકરીઓની કરુણકથામાં રસ ધરાવતા લાગણીશીલ યુવાનોની કમી નથી. શર્લી આગળ લખતી હતી: ‘જો તમને જગતની ગતિવિધિઓ જાણવાનો શોખ હશે તો તમને એ વાતની ખબર હશે જ કે સેનેગલમાં અત્યારે ભયંકર ઊથલપાથલ ચાલી રહી છે. આખો દેશ સિવિલ વોરમાં સપડાઇ ચૂકયો છે. બે અલગ-અલગ કોમો વચ્ચે ભયાનક ખૂનામરકી જામેલી છે.’

વરદાનને યાદ આવ્યું, થોડાક સમય પહેલાં એણે અંગ્રેજી અખબારમાં સેનેગલના આંતરવિગ્રહ વિશે આવું કશુંક વાંચ્યું હતું ખરું, પણ સેનેગલ અમેરિકા, ઇંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયા જેટલો દેશ ન હોવાને કારણે અને ત્યાં ભારતીય વસાહતીઓની સંખ્યા ઝાઝી નહીં હોવાને કારણે એણે એ સમાચારો પ્રત્યે વિશેષ ધ્યાન આપ્યું ન હતું, પણ એ તો અંગ્રેજી અખબાર હતું, જ્યારે અહીં તો શર્લી જેવી ખૂબસૂરત અને ગરમા-ગરમ યુવતી ખુદ એની આપવીતી પીરસી રહી હતી. પછી તો ધ્યાન આપવું જ પડે ને, ભાઇ!

કુમારી શર્લી લખતી હતી: ‘હાલમાં હું રાહત છાવણીમાં જીવી રહી છું. મારા પપ્પા સેનેગલ ગવર્નમેન્ટના ઉચ્ચ સ્તરના સચિવ હતા. અમે વર્ણવી ન શકાય એવી સમૃદ્ધિમાં જીવતા હતા. પપ્પા ખૂબ ધન કમાયા હતા. એક દિવસ અચાનક ઝનૂની તોફાનીઓનું એક મોટું ધાડું અમારા મહેલ જેવડા મકાન ઉપર ધસી આવ્યું. પપ્પા કોઇને ફોન કરે તે પહેલાં જ આક્રમણખોરોએ એમની હત્યા કરી નાખી. પછી તો હત્યારાઓએ મારી મા, બહેન અને બે ભાઇઓને પણ મારી નાખ્યા. હું તે સમયે બંગલાની પાછળના મેદાનમાં ‘જોગિંગ’ કરતી હતી, એટલે બચી ગઇ. બંગલામાં લૂંટફાટ કરીને તોફાનીઓ નાસી ગયા. હું જ્યારે પાછલા બારણેથી ઘરમાં પ્રવેશી ત્યારે…’

શર્લીએ ત્યારે શું જોયું એ એણે તો લખ્યું જ હતું, પણ ન લખ્યું હોત તોયે વરદાન સમજી શક્યો હોત. લૂંટાઇ ગયેલું ઘર અને ફૂટી ગયેલું તકદીર. લોહીના ખાબોચિયા અને લાશોનો સમૂહ. ઓરડામાં ઘૂમરાતી દહેશતની હવા અને ગમે તે ઘડીએ બીજો હુમલો થવાની આશંકા.

શર્લી શું કહેતી હતી? વાંચો: ‘આટલો ઓછો સમય મળ્યો હતો, તો પણ મારી બહેનની લાશ નિર્વસ્ત્ર હતી. સ્પષ્ટ હતું કે એની હત્યા કરતાં પહેલાં એની ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. હું ફફડી ઊઠી. દોડીને પોલીસ સ્ટેશને જઇ પહોંચી. ત્યાં પણ મને સલામતી ન લાગી. સરકારે મને રાહત છાવણીમાં મોકલી આપી. અહીં મારા જેવી અસંખ્ય છોકરીઓ જોવા મળે છે. એ બધીઓની દાસ્તાન મારા જેવી જ છે. અમે ભયંકર ઓથાર હેઠળ દિવસો પસાર કરીએ છીએ.

અમારી રક્ષા કરવા માટે તૈનાત કરાયેલા સંત્રીઓ પણ અમારી તરફ વાસનાભરી નજરે જોઇ રહ્યા છે. સ્નાન કરવા માટે અહીં કંતાનની દીવાલો ઊભી કરીને કામચલાઉ બાથરૂમ બનાવવામાં આવ્યા છે, પણ અમને ડર લાગે છે. ત્યાં સ્નાન માટે ગયેલી ચાર છોકરીઓ ચોકિયાતોના હાથે બંદૂકની અણીએ પીંખાઇ ગઇ છે. હું વિશ્વભરના પુરુષોને હૃદયપૂર્વક અરજ કરું છું કે અમને આ નરકમાંથી છોડાવો…’

વરદાને ત્યારે ને ત્યારે જ ઇ-મેઇલ મોકલી આપ્યો: ‘બીજી બધી છોકરીઓની વાત પછી, પહેલાં તને છોડાવવા માટે શું કરી શકાય એ બતાવ.’એક કલાક પછી શર્લીનો જવાબ આવ્યો: ‘તમારી લાગણી માટે આભારી છું. આ નર્કમાંથી મને બચાવવાનો એક જ રસ્તો છે, મારી સાથે લગ્ન કરી લો! મને પત્ની બનાવીને તમારા દેશમાં બોલાવી લો! હું તમને બોજારૂપ નહીં બની રહું. મારા પપ્પા અત્યંત ધનાઢ્ય હતા. બેંક ઓફ કુવૈતની ઇંગ્લેન્ડની શાખામાં એમના પંચોતેર લાખ પાઉન્ડ જમા બોલે છે. કાયદેસર હું એમની તમામ સંપત્તિની એકમાત્ર વારસદાર છું. તમે મારી કાયાની સાથે-સાથે આ કલદારનો પણ ભોગવટો માણી શકશો.’
વરદાને જોયું કે શર્લીએ એના ફોટોગ્રાફ્સ પણ સ્ક્રીન ઉપર મોકલ્યા હતા. શર્લી શ્યામવણીઁ હતી, પણ એની દેહસમૃદ્ધિ ફાટફાટ જણાતી હતી. ઉપરથી પંચોતેર લાખ પાઉન્ડનો માલિકી હક્ક?!

કંચન અને કામિનીના બેવડા મોહપાશમાં બંધાઇ જવાનું કોને ન ગમે? પણ વરદાન વસાવડા જરાક જુદી માટીનો પુરુષ હતો. બત્રીસમા વરસ સુધી એ સ્વેચ્છાએ કુંવારો રહ્યો હતો. માત્ર પરણવા ખાતર પરણી નાખવું એ એનું ધ્યેય ન હતું. આજે પહેલી વાર એને લાગ્યું લગ્ન કરવા માટે એ ઇચ્છતો હતો એવું મજબૂત કારણ એને મળી ગયું હતું. પરાજિત રાજાના કેદખાનામાં પુરાયેલી રાજકુંવરીઓને છોડાવવા શ્રીકૃષ્ણનો આદર્શ વરદાનમાં જાગ્રત થઇ ઊઠ્યો. એણે લખી મોકલ્યું: ‘શર્લી, ડોન્ટ વરી. હું તારી સાથે લગ્ન કરીશ. મારા મિત્રોને સમજાવીશ, તેઓ પણ તારી છાવણીમાં જીવતી યુવતીઓને…’

હવે લાખ રૂપિયાનો પ્રશ્ન સામે આવતો હતો: ‘આ બધું પાર શી રીતે પાડવું? લંકાની લાડી ને ઘોઘાનો વર. સેનેગલની શર્લી અને અમદાવાદના વાડજનો વરદાન.’ ઉપાય શર્લીએ બતાવ્યો: ‘તમે દિલ્હી જઇને અમારા હાઇકમશિ્નરને મળો. પછી મને ઇન્ડિયામાં બોલાવવા માટેની વિધિ પાર પાડો. મારી પાસે તો પાસપોર્ટ-વિઝા કઢાવવા જેટલાયે પૈસા નથી. એના માટેના એક હજાર પાઉન્ડ તમારે જ મોકલવા પડશે. હું ત્યાં આવું એટલે પછી તરત આપણું લગ્ન અને પછી બ્રિટનની બેંકમાં પડેલા પંચોતેર લાખ પાઉન્ડ તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર! આપણે હનિમૂન માટે ક્યાં જઇશું, ડિયર?’ વરદાનને યાદ આવી ગયું, આવી રીતે છેતરપિંડીઓ આજ-કાલ બહુ ચાલે છે.

એણે સેનેગલની એમ્બેસીમાં ફોન કર્યો. પછી સેનેગલમાં ભારતીય દૂતાવાસમાં પૂછપરછ કરી. બંને ઠેકાણેથી માહિતી આવી ગઇ, ‘સેનેગલમાં અત્યારે આંતરવિગ્રહ ચાલે છે એ વાત સાવ સાચી છે. અનેક છોકરીઓ રાહત છાવણીમાં આશરો લઇને બેઠી છે. બળાત્કારો એ અહીંની રોજિંદી ઘટના બની ગઇ છે. અને જો કોઇ વિદેશી યુવક લગ્નના નિમિત્તે આવી યુવતીને અહીંથી છોડાવી શકે તો એ ખરેખર પુણ્યનું કામ ગણાશે.’
વરદાને નક્કી તો કરી જ નાખ્યું કે શર્લીને શ્રીમતી વસાવડા બનાવી જ દેવી છે, પણ હજુ એના મનમાં થોડી-ઘણી શંકા રહી જતી હતી કે આ શર્લી પોતાને ક્યાંક ‘બનાવી’ ન જાય! એક હજાર પાઉન્ડ એટલે આશરે પોણા લાખ રૂપિયાનો મામલો હતો, ભાઇ! આ મૂંઝવણમાંથી બહાર નીકળવાનો રસ્તો આપોઆપ અને અનાયાસ વરદાનની સામે આવી ગયો.

ગ્રેટ બ્રિટનના એક મોટા ગજાના રાજદ્વારી મિ. ગ્રેહામ ડલ્લાસનો ઇ-મેઇલ આવ્યો: ‘મિ. વસાવડા! વ્હોટ આર યુ ડુઇંગ? તમને ભાન છે કે આટલું મોડું કરીને તમે શર્લીનો જાન જોખમમાં મૂકી રહ્યા છો? તમને વિશ્વાસ ન પડતો હોય તો એકવાર જાતે સેનેગલ જઇને તપાસ કરી આવો! હું તમને વિશ્વાસ અપાવું છું કે એ છોકરી સાચે જ તમને પરણવા માગે છે. અમારા દેશમાં એના પિતાના બેંક ખાતામાં ખરેખર પોણો કરોડ પાઉન્ડ જમા થયેલા છે. હું એક અધિકૃત ઉચ્ચ અફસર તમને આ બધું જણાવી રહ્યો છું. હું બ્રિટન તરફથી ઇન્ડિયા ખાતે નિમાયેલો હાઇકમશિ્નર ખુદ, જાતે, પોતે છું. હવે તો તમારી ચીકણાશ છોડો!’

વરદાને ઇ-મેઇલ કર્યો, ‘મને પંચોતેર લાખ પાઉન્ડની લાલચ નથી, સર, મને તો મારા પંચોતેર હજારની ફિકર છે. એટલે જ આ બધું પૂછવું પડે છે.’મિ. ડલ્લાસ બગડ્યા: ‘એમ વાત છે? સારું, તો પછી આવતા અઠવાડિયે હું ઇન્ડિયા આવી રહ્યો છું. શર્લીના પિતાના પંચોતેર લાખ પાઉન્ડ સાથે લઇને આવું છું. બેંક સાથે હું સમજી લઇશ. તમે મુંબઇ આવી શકશો?

નહીંતર હું અમદાવાદ આવી જઇશ. સેનેગલની શર્લીની જિંદગી બચાવવા ખાતર અમદાવાદી યુવાન ભલે ઘરની બહાર ન નીકળી શકે, પણ બ્રિટનનો રાજદૂત છેક ગુજરાત સુધી લાંબો થઇ શકે છે. અને હા, એક વાત યાદ રહે, શર્લીના પૈસા તમારા ખાતામાં તબદીલ કરવા માટે અહીંની બેંકને તમારે સાતસો પાઉન્ડ ટ્રાન્સફર મની પેટે આપવાના રહેશે. એ રકમ તૈયાર રાખજો!’

વરદાન હવે માની ગયો, પણ આખરે ગુજરાતી ખરો ને! છેલ્લે સળી કર્યા વગર એ ન રહ્યો: ‘મિ. ડલ્લાસ, મારે આપનું ઓળખપત્ર જોવું છે. મોકલી આપશો?’ અંગ્રેજ બચ્ચો ફરી પાછો બગડ્યો, ‘તમને ભાન છે કે તમે કોનું અપમાન કરી રહ્યા છો? જવા દો, તમારા જેવું કોણ થાય? મારું આઇ-કાર્ડ સ્કેન કરીને મોકલું છું. આંખો ફાડીને વાંચી લેજો!’

વરદાને આઇ-કાર્ડ વાંચી લીધું, સૂંઘી લીધું, ચાખી લીધું. પછી બ્રિટનના કોન્સ્યુલેટમાં તપાસ કરી. પાછો મિ. ડલ્લાસને મેઇલ મોકલ્યો: ‘બ્રિટનના હાઇકમશિ્નરોની વિશ્વભરની યાદીમાં તમારું નામ કેમ નથી?’
મિ. ડલ્લાસ હસ્યા, ‘અરે, મૂર્ખ! તને એટલું પણ જ્ઞાન નથી કે અમારી સરકાર હમણાં જ બદલાઇ ગઇ છે? નવી સરકારે મારી નવી નિમણુંક તો કરી દીધી છે, પણ વિશ્વભરના કોન્સ્યુલેટોમાં નવા રાજદૂતોની યાદી મોકલવાની હજુ બાકી છે. મારું આઇ-કાર્ડ તને ઓછું પડે છે?’

વરદાન મૂંઝાઇ ગયો. શું કરવું? એક બાજુ શર્લીનું તન હતું, બીજી તરફ બેંકમાં પડેલું એના બાપનું ધન હતું અને ત્રીજી તરફ અમદાવાદી માણસનું શંકાશીલ મન હતું. દાળમાં કોકમ સિવાય બીજું જે કંઇ કાળું દેખાય એની ખાતરી તો કરી લેવી પડે ને? છેવટના ઘા તરીકે વરદાને ઇંગ્લેન્ડના વિદેશ મંત્રાલયને ઇ-મેઇલ મોકલ્યો.

જવાબ સાંભળીને એ છળી પડ્યો. ઇંગ્લેન્ડનું વિદેશ ખાતું જણાવતું હતું: ‘મિ. ગ્રેહામ ડલ્લાસ અમારા દેશનો એક જાણીતો ચીટર છે. અત્યાર સુધીમાં એ અસંખ્ય દેશોમાં અનેક પુરુષોને છેતરી ચૂકયો છે. શર્લી જેવી બે-બસ છોકરીઓની કપોળકલ્પિત કથાઓ ઉપજાવી કાઢીને અને ગુમનામ મોડલોની તસવીરો મોકલીને એ કુંવારા યુવાનોની લાગણી ઉત્તેજિત કરે છે અને પછી તગડી રકમ ખંખેરી લે છે. ઇન્ટરપોલને એની તલાશ છે. તમે એવા પહેલા યુવાન છો જે બચી ગયા. તમને હાર્દિક અભિનંદન!’

વરદાને છેલ્લો ઇ-મેઇલ મોકલી આપ્યો: ‘તમારા અભિનંદન બદલ આભાર! તમારી એક ભૂલ સુધારું? હું છેતરાવામાંથી બચી ગયો કારણ કે હું ફક્ત યુવાન નથી, પણ હું ગુજરાતનો શિક્ષિત યુવાન છું. જય હો!

(સાવ સાચી ઘટના)
લેખક : ડો. શરદ ઠાકર


Tuesday, July 1, 2014

Gujarati Navalkatha - મારા ખાલીપાને ફૂલછાબ માફક પ્રેમથી છલોછલ ભરી દીધો છે!

વિરહની વ્યથા વગર મિલનની મઝા અધૂરી લાગે પણ બંને બાજુ સરખું હોય તો શું કરવાનું? છાતી ચીરીને કહી ન શકાય તેવી સમસ્યા સાથે બહુ ઓછા સમયમાં નિર્ણય લેવાનો હોય-આ પાર અથવા પેલે પાર… વિશ્વા ઘડિયાળના લોલક માફક આમ તેમ ફંગોળાતી હતી. સવારનો સૂરજ ઊગશે તે ઉજાસભર્યો હશે કે નર્યો અંધકાર… કહી શકાય તેમ નથી.

જિંદગીની મંજિલ પર ઘણા ધાર્યા અને અણધાર્યા વળાંકો આવતા હોય છે. કોઇ વળાંક એવો હોય કે ન અટકી શકાય, ન આગળ વધી શકાય અને ન પાછા વળી શકાય! શું કરવાનું? પણ જિંદગીના દરેક વળાંકને પોતીકો મિજાજ હોય છે. તે ફરી ક્યારેય પાછો આવવાનો હોતો નથી. તેથી જે આવે તે, જે બને તેને જીરવી જવાનું અને આનંદપૂર્વક જીવી જવાનું. દુ:ખની પરાકાષ્ઠા પછી સુખની કૂંપળ ફૂટતી હોય છે પણ ત્યાં સુધી ધૈર્ય અને ધીરજ રાખવી પડે.

છેલ્લા પંદર દિવસમાં વિશ્વાના જીવનમાં એક વંટોળ આવ્યો છે. શાંત અને સ્થિર પ્રવાહમાં પથ્થર ફેંકાયો છે. ખળભળાટ મચી ગયો છે. નેશનલ ટેલેન્ટ ટેસ્ટ માટે વિશ્વા દિલ્હી આવી હતી. ત્યાં ગુજરાતી સમાજની ડોરમેટ્રીમાં સૂરજ સાથે પરિચય થાય છે. જાણે-અજાણ્યે પણ બંને વચ્ચે લાગણીનો એક તંતુ જોડાઇ જાય છે.
જીવનમાં ક્યારેક એવું બને કે કોઇ માણસ પ્રથમ દ્રષ્ટિએ જ ગમી જાય. પહેલી વખત જ મળ્યા હોઇએ છતાંય એવું લાગે કે વરસોથી એકબીજાને ઓળખીએ છીએ અને ક્યાંક પોતાના હોવા છતાં પરાયા લાગે. આ બધું પ્રકૃતિદત્ત હોય છે. આવા સમયે વિવેક દાખવવાનું વ્યક્તિના હાથમાં હોય છે.

વિશ્વા અને સૂરજ દિલ્હીમાં ફયાઁ છે, સાથે રહ્યાં છે અને અતૂટ આત્મીયતા બંધાઇ ગઇ છે. વિશ્વા મેરિડ છે. બે વરસનું સુખી દાંપત્યજીવન છે. હસબન્ડ હેન્ડસમ, કહ્યાગરો, ઊંચો પગાર લાવતો… બધી જ રીતે સારો છે. કોઇ જ પ્રશ્નો નથી, પણ આ બધું એક રૂટિન જેવું લાગે છે. લગ્ન પછી સામાજિક સ્વીકાર થાય તેની સાથે હૃદયસ્થ એ મોટી વાત છે. બાકી તો સંસાર રથનાં પૈડાં એમ જ ચાલ્યાં કરતાં હોય છે. સ્ત્રી માટે પ્રેમ પ્રથમ સ્થાને હોય છે, શરીરસંબંધ તો સાવ છેલ્લે આવે છે.

દિલ્હી જેવા મહાનગરમાં વિશ્વાને સૂરજ થકી સિકયોર ફીલ થયું છે. સાથે તેની નિર્દોષતા પણ હૃદયસ્પર્શી રહી છે. સૂરજ આમ સાથે રહ્યો છતાંય તેણે ખરાબ દ્રષ્ટિએ સામે જોયું નથી તે વિશ્વા માટે મૂડી હતી.
સ્ત્રીને સમજવામાં એક જન્મારો ઓછો પડે. તે હિમશિલા જેવી હોય છે. પાણીની સપાટી પર દેખાય તે માત્ર દશાંશ ભાગ જ હોય છે. બાકીનો નેવું ટકા હિસ્સો તો અંદર હોય છે. સ્ત્રીને પામવા, પોતીકી કરવા અને ખરેખર હૃદયરાણી બનાવવા આ હિસ્સાને પણ ઓળખવો પડે. તેનાં ગમા-અણગમા, રસ-રુચિ… આ સઘળું જાણી તેને એકરૂપ થવું પડે. જ્યારે સ્ત્રી બહુ ઓછા વખતમાં પુરુષને પારખી જાય છે અને તેમના કહ્યા પ્રમાણે રહેવાનું લગભગ પસંદ કરે છે.

રાજધાની એક્સપ્રેસ દિલ્હીથી અમદાવાદ તરફ આવી રહ્યી છે. વિશ્વા થ્રી ટાયર એસી કોચની સ્લીપિંગ સીટમાં લાંબી થઇને પડી છે. સામેની સીટમાં સૂરજ સૂતો છે. આંખો બંધ છે પણ ઊંઘ તો ક્યારનીય ઊડી ગઇ છે!
વિશ્વા વિચારે છે કે આ યુવાને મારા અસ્તિત્વનો આદર કર્યો છે. મને સ્વમાન બક્ષ્યું છે. મારા ખાલીપાને ફૂલછાબ માફક પ્રેમથી છલોછલ ભરી દીધો છે. મારી ઓળખને ઉજાગર કરી છે. મુક્તગગનમાં પંખી પેઠે પાંખો આપી છે અને આ વિશાળ જગતને જોવાની આંખો આપી છે. હું સુગંધ અને સ્નેહથી તરબતર થઇ ગઇ છું. મારી અસલી ઓળખ આ સૂરજ થકી જ ઊઘડી છે. મારા જીવનપથ પર તેનો ઉજાસ પથરાતો રહે તો જીવન સોનેરી બની જાય અને આમ પણ અણગમતા પુરુષ સાથે આયખું વેંઢારવું તેના કરતાં મનગમતા પુરુષ સાથે ભલેને પાંચ જ વરસ જીવવા મળે! વિશ્વાના મનોજગતમાં ભારે ઉલ્કાપાત સર્જાયો છે.

એક ચોક્કસ નિર્ણય પર આવી જવાનો સમય પાકી ગયો છે. વળી, સામે સૂરજને પણ કહ્યું છે : ‘હું સવાર થતાં અમદાવાદ આવ્યે મારો નિર્ણય જણાવી દઇશ.’‘સૂરજ!’ કહીને વિશ્વા એકદમ બેઠી થઇ ગઇ. પછી શરીર ફરતે હાથ વીંટાળીને બોલી: ‘ઠંડી લાગે છે, એસી વધી ગયું છે!’‘એસી બંધ નહીં કરી શકાય પણ…’ આમ કહી સૂરજ નીચે આવે છે અને વિશ્વાને કામળો ઓઢાડે છે. પછી કહે છે: ‘જગતને નહીં, જાતને ઢાંકવી પડે!’
અડધો કલાક આંખ મળી હશે ને પછી આંખો ઊઘડી ગઇ. સામે સૂતેલા સૂરજના બાળક જેવા નિર્દોષ મોં પર એક તસતસતું ચુંબન કરવાનું મન થઇ આવ્યું. ઊભી થઇ, કપડાં સરખાં કર્યા, પછી સૂરજના ગાલ પર ટપલી મારી તે બાથરૂમ તરફ ગઇ. પાછી આવીને સીટ પર વિશ્વા ઊભા પગે બેઠી. તેની પાસે હવે બહુ ઓછો સમય હતો. ઘરે પાછા જવું કે સૂરજ સાથે જ ચાલ્યા જવું… જીવસટોસટનો નિર્ણય લેવાનો હતો. વિશ્વાને થયું કે પોતે છેદાઇને ટુકડામાં વિભાજિત થઇ ગઇ છે. હમણાં સાફ કરવાવાળો આવશે તો પોતાને કચરો સમજી ટોપલીમાં ભરીને ચાલ્યો જશે!

આંખો બંધ કરીને વિશ્વાએ જાણે સમાધિ લગાવી. તે સારી રીતે સમજતી હતી કે આવેગ અને આવેશમાં લીધેલ નિર્ણય સારા અને સાચા હોતા નથી. તેણે થેલામાંથી પેન અને કાગળ લીધાં. લખતાં પૂર્વે સૂરજ સામે જોયું. તેની આંખોને ઊંઘ ગ્રસી ગઇ હતી. ‘સૂરજ! આપણો પ્રવાસ પૂર્ણ થાય છે. અહીં સુધીનો સંગાથ પર્યાપ્ત હતો. હવે આપણે ક્યાંય, કોઇપણ રૂપે મળીશું નહીં, સંપર્ક કરીશું નહીં. મને ખાતરી છે, મારી આ વાતનું તમે સંપૂર્ણપણે પાલન કરશો.’ જીવનભરના સંગાથની ઇચ્છા ઓછી નથી. પણ… મારા પતિના અને પરિવારના વિશ્વાસનું શું???

ચિઢ્ઢીને સૂરજના ઓશીકા પાસે મૂકી વિશ્વા આગળના સ્ટેશને ઊતરી જાય છે!

ધુમ્મસ, રાઘવજી માધડ

Gujarati Navalkatha - તમે મલક્યાં હતાં જોકે ફક્ત એક ફૂલના જેવું મગર…

સાંજે સાડા છ વાગ્યે આસમાન ઘરે આવ્યો, ત્યારે આરઝૂ સોફા ઉપર પહોળી થઇને બેઠી હતી અને છાપું વાંચી રહી હતી. એ છાપું પડતું મૂકે છે કે નહીં એ જોવા માટે આસમાને થોડીવાર સુધી આડા-અવળાં કામ કર્યે રાખ્યાં. પગમાંથી બૂટ કાઢીને જોરથી પછાડતો હોય તેમ જમીન ઉપર મૂક્યા. હાથમાંની બ્રીફકેસનો ઘા કર્યો. તરસ લાગી છે તેવું બતાવવા માટે રસોડામાં જઇને ફ્રીઝનું બારણું પછાડી જોયું, પણ પત્ની એની અવિચળ, અટલ, સ્થિતપ્રજ્ઞ જ રહી. જાણે બારમા ધોરણનો વિદ્યાર્થી બોર્ડની પરીક્ષાની તૈયારી કરતો હોય એમ એ અખબારના વાંચનમાં મગ્ન હતી. છેવટે ન જ રહેવાયું ત્યારે આસમાને બરાડો પાડ્યો, ‘શું હું પૂછી શકું કે આ છાપું આજે સવારે આવ્યું છે કે અત્યારે સાંજે?’

આરઝૂએ નજર હટાવ્યા વિના જવાબ આપ્યો, ‘છાપું સવારે જ આવે છે, પણ મને તો જ્યારે સમય મળે ત્યારે વાંચું ને?’‘સમય? તો બપોરે બે વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી શું કરતી હતી? દેશનો વહીવટ?’‘એ સોંપી દેશો તો એ પણ ચલાવી આપીશ, પણ ફિલહાલ તો હું ઘર જ ચલાવી રહી છું અને તમને બરાબર ખબર છે કે રોજ બપોરે હું ટી.વી. ચેનલ ઉપર આવતો કુકિંગ શો જોતી હોઉં છું. આજે બપોરે શું હતું, કહું? વરસાદી મૌસમમાં બનાવવા જેવા ઝટપટ નાસ્તાઓ!’

‘ઓહ નો! આરઝૂ! આરઝૂ! તું ક્યારે સુધરીશ? આ ટી.વી. ચેનલો તમને મૂર્ખ બનાવે છે. કેવી કેવી અશક્ય વાનગીઓની ભેજાગેપ રેસિપી શીખવે છે એ લોકો! કારેલાનો હલવો, દૂધીનો દૂધપાક, ઊતરેલી કઢીનું રાયતું, સાત દિવસની વાસી રોટલીનો ચેવડૉ….! અને તમે કહેવાતી ભણેલી યુવતીઓ દિમાગના દરવાજા બંધ કરીને એ બધું સાચું પણ માની લો છો. આટલાથી પેટ ન ભરાયું હોય તેમ પાછાં છાપામાંયે નવી-નવી રેસિપીની જ કોલમ વાંચવાની? મારે તને એટલું જ પૂછવું છે કે છાપામાં ક્યાંય એક કપ ગરમ-ગરમ ચા બનાવવાની રેસિપી લખી છે ખરી? જો લખી હોય તો તમારા આ થાકેલા સ્વામીનાથ માટે એક કપ ચા બનાવી આપશો?’‘હા, પણ થોડી વાર લાગશે. આ છાપામાં સડેલા શાકનું ઊંધિયું બનાવવાની રીત આપી છે એ વાંચીને ચા બનાવી આપું.’

થોડીને બદલે ઝાઝી વાર થઇ ગઇ, આસમાન કંટાળીને ચા પીધા વગર જ એના બેડરૂમમાં ઘૂસી ગયો. બબડ્યો પણ ખરો, ‘મારી પાસે રાહ જોવા જેટલો સમય ક્યાં છે? હમણાં આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ શરૂ થશે. મેં ધોનીની ટીમ ઉપર સટ્ટો ખેલ્યો છે. નસીબ જોર કરતું હશે તો બે કલાકમાં વીસેક હજારની કમાણી થઇ જશે. આ બુદ્ધિ વગરની બૈરી શું સમજે? સાવ ડોબું છે ડોબું! બે પૈસા રળવાની વાત નહીં અને રૂપિયા ખર્ચ કરવામાં પાવરધી! મારી તો જિંદગી ખરાબ કરી નાખી…’

ટી.વી. ઓન થયું. મેચ શરૂ થઇ. સટ્ટો ચાલુ થયો. આજે આસમાનનું કિસ્મત આસમાનમાં હતું. ફોન ઉપર બુકીએ પણ એને અભિનંદન આપ્યા, ‘તમે તો આજે આખા મહિનાનો પગાર પાડી લીધો! ધોનીને ફોન-બોન કરી દીધો’તો કે શું? એવું લાગતું હતું કે આજે તો એ તમારા માટે જ રમતો હતો!’ છેક મેચ ખતમ થઇ ત્યારે શ્રીમતી આરઝૂગાૈરી ચાનો કપ લઇને હાજર થયાં. આસમાન હજુ તો ચાની પહેલી ચૂસકી ભરે ત્યાં આરઝૂએ માગણી રજૂ કરી, ‘પાંચ હજાર રૂપિયા આપો, કાલે મારે શોપિંગ કરવા જવું છે.’‘પાંચ હજાર?!!’ આસમાનના કપમાંથી ચા છલકાઇ ગઇ, ‘આટલા બધા રૂપિયા? તારે શોપિંગમાં આખી શોપ તો નથી ખરીદી લેવી ને?’

‘પાંચ હજારમાં તમારો કયો સગો તમને દુકાન આપી દેવાનો છે? પ્રોપર્ટીના ભાવ ક્યાં પહોંચ્યા છે એ જાણો છો તમે? આ મોંઘવારીમાં તો છોકરા-છોકરી કોલેજમાં જાય છે ત્યારેય પાંચેક હજારનું પરચૂરણ સાથે રાખે છે. લાવો, ખિસ્સું ઢીલું કરો! અને હા, મારી પાસે ખર્ચનો હિસાબ ન માગશો. મારું ગણિત કાચું છે એ તમે જાણો છો.’

આસમાનને આજે સટ્ટામાં તડાકો પડ્યો હતો એટલે પાંચ હજાર રૂપિયા આપવામાં વાંધો ન આવ્યો, પણ આરઝૂના ગયા પછી એ બબડ્યોય ખરો, ‘તારું એકલું ગણિત જ કાચું નથી, તું ખુદ આખેઆખી કાચી છે. સાવ માથે પડી!’શ્રાવણ મહિનો આવ્યો. જન્માષ્ટમી એટલે આસમાનનો મનગમતો તહેવાર. ઘરના ત્રીજા માળે આવેલા ઓરડામાં એણે મિત્રોની બેઠક જમાવી. પત્નીને આદેશ ફરમાવ્યો, ‘દર કલાકે ખાણી-પીણીની વાનગીઓ મોકલાવતી રે’જે! તું જેટલી વાનગીઓ બનાવતાં શીખી હોય એ બધી જ મારા મિત્રોને ચખાડી દેજે! અને સાંભળ, આપણા ઘરે કોઇ પણ સગુંવહાલું કે અડોશીપડોશી આવે તો એને નીચેથી જ વિદાય કરી દેજે. અમારી બેઠકમાં ખલેલ ન પડવી જોઇએ.’


બેઠક એટલે જુગારની બેઠક. જન્માષ્ટમીના તહેવારની રજા સાથે આ વરસે શનિ-રવિની રજાઓ પણ ઉમેરાઇ ગઇ હતી. એટલે આસમાનને જલસો પડી ગયો. સતત ત્રણ-ત્રણ દિવસ લગી દિવસ ને રાતની મહેફિલ એણે જમાવી દીધી. પાંચ અતિ ગાઢ મિત્રોને કપડાંલત્તા સાથે પોતાને ત્યાં બોલાવી લીધા. રહેવાનું, ખાવા-પીવાનું અને સૂવાનું પણ ત્યાં જ! આવી સોળ કળાએ ખીલેલી બેઠકમાં અચાનક આરઝૂએ ખલેલ પહોંચાડી. ચાલુ બાજીએ હાથ લંબાવીને ઊભી રહી ગઇ, ‘આઠ-દસ હજાર રૂપિયા આપો! મેં આજે કીટ્ટી-પાર્ટી રાખી છે. અમે પણ આજે તીનપત્તી ઉપર હાથ અજમાવવાનાં છીએ.’

આસમાન ધૂંધવાઇ ઊઠ્યો, ‘તને કંઇ ભાન-બાન છે ખરું? અહીં હું બાજી ઉપર બાજી હારી રહ્યો છું, ત્યારે તું ખાતર ઉપર દીવો કરવા ઊભી થઇ છે? તીનપત્તીમાં હાથ નહીં, પણ નસીબ અજમાવાતું હોય છે એની ખબર છે તને?’આરઝૂ આઠ હજાર રૂપિયા પડાવીને જ જંપી. રાત્રે ખબર પડી કે આરઝૂ એની જિંદગીના આ પહેલી વારના જુગારમાં બધા રૂપિયા હારી ગઇ હતી. એ રાત્રે બેઠકમાંથી સમય ચોરીને પણ આસમાને પત્નીને ઝાટકી નાખી, ‘સાવ માથે પડી છે! એ તો વળી સારું થયું કે ભગવાને મારી સામે જોયું. છેલ્લે-છેલ્લે હું સતત વીસ બાજીઓ જીતી ગયો. એટલે વાંધો ન આવ્યો. બાકી મારું શું થાત એની હું કલ્પનાયે નથી કરી શકતો.’
કલ્પના કરવાની જરૂર ન પડી. ત્રણ દિવસના અંતે જ્યારે આસમાન હાર-જીતનો હિસાબ કરવા બેઠો ત્યારે એની ખુશીનો પાર ન રહ્યો. જન્માષ્ટમીના પવિત્ર તહેવારે એને પંદર હજાર કમાવી આપ્યા હતા. એણે આરઝૂને કહ્યું પણ ખરું, ‘જો, ડોબી, જો! આનું નામ તે આવડત! એકલા પગારમાં આ બધા તાગડધિન્ના ન પરવડે. થોડો ઘણો સાઇડ બિઝનેસ કરતાંયે આવડવો જોઇએ. ક્રિકેટનો સટ્ટો, જન્માષ્ટમીનો જુગાર અને શેરબજારની સૂઝ-સમજ..! તું તારે ટી.વીના વાનગી કાર્યક્રમો જોયા કર અને કિટ્ટી પાર્ટીઓમાં પૈસા વાપર્યા કર. સાવ માથે પડી…’

*** *** ***
એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે કે જ્યારે આફતો આવે છે ત્યારે એક સામટી આવે છે. આસમાન માટે આ સાચું પડ્યું. ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં એને પરસેવો ફૂટી નીકળ્યો. ક્રિકેટ, જુગાર અને શેરબજારમાં એણે એક્સાથે ‘ત્રિવેણી સ્નાન’ કરવું પડ્યું. ધોનીએ એને ચાલીસ હજારમાં ધોયો. ન્યૂ યર પાર્ટીના જુગારમાં એણે પચાસ હજાર ખોયા અને શેરબજારના આખલાએ એને દોઢ લાખનું શિંગડું ફટકાર્યું. એ રાત્રે આસમાન રડમસ હતો. એનો સાત-આઠ મહિનાનો પગાર હાથમાંથી સરકી ગયો હતો. આ ભયંકર આઘાતના સમયમાં એની પત્નીએ આવીને એના ખભા ઉપર હાથ મૂક્યો. આસમાને છાશિયું કર્યું, ‘શું છે તારે? પૈસા માગવા આવી છો?’

‘ના, પૈસા આપવા માટે આવી છું. મને તમારા રંગઢંગ જોઇને લાગતું જ હતું કે આવો દિવસ આવશે જ. એટલે તો હું શોપિંગ કે જુગારના બહાને તમારી પાસેથી પાંચ-દસ હજાર રૂપિયા સરકાવતી રહેતી હતી. છેલ્લાં ત્રણેક વરસમાં ત્રણ લાખ રૂપિયા મેં બચાવ્યા છે. મને લાગે છે કે અત્યારે એ પૂરતા થઇ પડશે.’ આરઝૂએ બચતની પોટલી પતિના હાથમાં મૂકી દીધી. આસમાન ઊભો થઇને એને વળગી પડ્યો, ‘આરઝૂ, મને માફ કરી દે! આજે મને સમજાયું કે મારી આરઝૂ મારા માથે નથી પડી. એ તો મારા હૃદયમાં વસવા યોગ્ય છે.’ અને એણે જે આલિંગન આપ્યું એ પેલી પોટલી કરતાં પણ વધારે કીંમતી હતું. 

(શીર્ષક પંક્તિ : બેફામ)