Tuesday, July 1, 2014

Gujarati Navalkatha - તમે મલક્યાં હતાં જોકે ફક્ત એક ફૂલના જેવું મગર…

સાંજે સાડા છ વાગ્યે આસમાન ઘરે આવ્યો, ત્યારે આરઝૂ સોફા ઉપર પહોળી થઇને બેઠી હતી અને છાપું વાંચી રહી હતી. એ છાપું પડતું મૂકે છે કે નહીં એ જોવા માટે આસમાને થોડીવાર સુધી આડા-અવળાં કામ કર્યે રાખ્યાં. પગમાંથી બૂટ કાઢીને જોરથી પછાડતો હોય તેમ જમીન ઉપર મૂક્યા. હાથમાંની બ્રીફકેસનો ઘા કર્યો. તરસ લાગી છે તેવું બતાવવા માટે રસોડામાં જઇને ફ્રીઝનું બારણું પછાડી જોયું, પણ પત્ની એની અવિચળ, અટલ, સ્થિતપ્રજ્ઞ જ રહી. જાણે બારમા ધોરણનો વિદ્યાર્થી બોર્ડની પરીક્ષાની તૈયારી કરતો હોય એમ એ અખબારના વાંચનમાં મગ્ન હતી. છેવટે ન જ રહેવાયું ત્યારે આસમાને બરાડો પાડ્યો, ‘શું હું પૂછી શકું કે આ છાપું આજે સવારે આવ્યું છે કે અત્યારે સાંજે?’

આરઝૂએ નજર હટાવ્યા વિના જવાબ આપ્યો, ‘છાપું સવારે જ આવે છે, પણ મને તો જ્યારે સમય મળે ત્યારે વાંચું ને?’‘સમય? તો બપોરે બે વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી શું કરતી હતી? દેશનો વહીવટ?’‘એ સોંપી દેશો તો એ પણ ચલાવી આપીશ, પણ ફિલહાલ તો હું ઘર જ ચલાવી રહી છું અને તમને બરાબર ખબર છે કે રોજ બપોરે હું ટી.વી. ચેનલ ઉપર આવતો કુકિંગ શો જોતી હોઉં છું. આજે બપોરે શું હતું, કહું? વરસાદી મૌસમમાં બનાવવા જેવા ઝટપટ નાસ્તાઓ!’

‘ઓહ નો! આરઝૂ! આરઝૂ! તું ક્યારે સુધરીશ? આ ટી.વી. ચેનલો તમને મૂર્ખ બનાવે છે. કેવી કેવી અશક્ય વાનગીઓની ભેજાગેપ રેસિપી શીખવે છે એ લોકો! કારેલાનો હલવો, દૂધીનો દૂધપાક, ઊતરેલી કઢીનું રાયતું, સાત દિવસની વાસી રોટલીનો ચેવડૉ….! અને તમે કહેવાતી ભણેલી યુવતીઓ દિમાગના દરવાજા બંધ કરીને એ બધું સાચું પણ માની લો છો. આટલાથી પેટ ન ભરાયું હોય તેમ પાછાં છાપામાંયે નવી-નવી રેસિપીની જ કોલમ વાંચવાની? મારે તને એટલું જ પૂછવું છે કે છાપામાં ક્યાંય એક કપ ગરમ-ગરમ ચા બનાવવાની રેસિપી લખી છે ખરી? જો લખી હોય તો તમારા આ થાકેલા સ્વામીનાથ માટે એક કપ ચા બનાવી આપશો?’‘હા, પણ થોડી વાર લાગશે. આ છાપામાં સડેલા શાકનું ઊંધિયું બનાવવાની રીત આપી છે એ વાંચીને ચા બનાવી આપું.’

થોડીને બદલે ઝાઝી વાર થઇ ગઇ, આસમાન કંટાળીને ચા પીધા વગર જ એના બેડરૂમમાં ઘૂસી ગયો. બબડ્યો પણ ખરો, ‘મારી પાસે રાહ જોવા જેટલો સમય ક્યાં છે? હમણાં આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ શરૂ થશે. મેં ધોનીની ટીમ ઉપર સટ્ટો ખેલ્યો છે. નસીબ જોર કરતું હશે તો બે કલાકમાં વીસેક હજારની કમાણી થઇ જશે. આ બુદ્ધિ વગરની બૈરી શું સમજે? સાવ ડોબું છે ડોબું! બે પૈસા રળવાની વાત નહીં અને રૂપિયા ખર્ચ કરવામાં પાવરધી! મારી તો જિંદગી ખરાબ કરી નાખી…’

ટી.વી. ઓન થયું. મેચ શરૂ થઇ. સટ્ટો ચાલુ થયો. આજે આસમાનનું કિસ્મત આસમાનમાં હતું. ફોન ઉપર બુકીએ પણ એને અભિનંદન આપ્યા, ‘તમે તો આજે આખા મહિનાનો પગાર પાડી લીધો! ધોનીને ફોન-બોન કરી દીધો’તો કે શું? એવું લાગતું હતું કે આજે તો એ તમારા માટે જ રમતો હતો!’ છેક મેચ ખતમ થઇ ત્યારે શ્રીમતી આરઝૂગાૈરી ચાનો કપ લઇને હાજર થયાં. આસમાન હજુ તો ચાની પહેલી ચૂસકી ભરે ત્યાં આરઝૂએ માગણી રજૂ કરી, ‘પાંચ હજાર રૂપિયા આપો, કાલે મારે શોપિંગ કરવા જવું છે.’‘પાંચ હજાર?!!’ આસમાનના કપમાંથી ચા છલકાઇ ગઇ, ‘આટલા બધા રૂપિયા? તારે શોપિંગમાં આખી શોપ તો નથી ખરીદી લેવી ને?’

‘પાંચ હજારમાં તમારો કયો સગો તમને દુકાન આપી દેવાનો છે? પ્રોપર્ટીના ભાવ ક્યાં પહોંચ્યા છે એ જાણો છો તમે? આ મોંઘવારીમાં તો છોકરા-છોકરી કોલેજમાં જાય છે ત્યારેય પાંચેક હજારનું પરચૂરણ સાથે રાખે છે. લાવો, ખિસ્સું ઢીલું કરો! અને હા, મારી પાસે ખર્ચનો હિસાબ ન માગશો. મારું ગણિત કાચું છે એ તમે જાણો છો.’

આસમાનને આજે સટ્ટામાં તડાકો પડ્યો હતો એટલે પાંચ હજાર રૂપિયા આપવામાં વાંધો ન આવ્યો, પણ આરઝૂના ગયા પછી એ બબડ્યોય ખરો, ‘તારું એકલું ગણિત જ કાચું નથી, તું ખુદ આખેઆખી કાચી છે. સાવ માથે પડી!’શ્રાવણ મહિનો આવ્યો. જન્માષ્ટમી એટલે આસમાનનો મનગમતો તહેવાર. ઘરના ત્રીજા માળે આવેલા ઓરડામાં એણે મિત્રોની બેઠક જમાવી. પત્નીને આદેશ ફરમાવ્યો, ‘દર કલાકે ખાણી-પીણીની વાનગીઓ મોકલાવતી રે’જે! તું જેટલી વાનગીઓ બનાવતાં શીખી હોય એ બધી જ મારા મિત્રોને ચખાડી દેજે! અને સાંભળ, આપણા ઘરે કોઇ પણ સગુંવહાલું કે અડોશીપડોશી આવે તો એને નીચેથી જ વિદાય કરી દેજે. અમારી બેઠકમાં ખલેલ ન પડવી જોઇએ.’


બેઠક એટલે જુગારની બેઠક. જન્માષ્ટમીના તહેવારની રજા સાથે આ વરસે શનિ-રવિની રજાઓ પણ ઉમેરાઇ ગઇ હતી. એટલે આસમાનને જલસો પડી ગયો. સતત ત્રણ-ત્રણ દિવસ લગી દિવસ ને રાતની મહેફિલ એણે જમાવી દીધી. પાંચ અતિ ગાઢ મિત્રોને કપડાંલત્તા સાથે પોતાને ત્યાં બોલાવી લીધા. રહેવાનું, ખાવા-પીવાનું અને સૂવાનું પણ ત્યાં જ! આવી સોળ કળાએ ખીલેલી બેઠકમાં અચાનક આરઝૂએ ખલેલ પહોંચાડી. ચાલુ બાજીએ હાથ લંબાવીને ઊભી રહી ગઇ, ‘આઠ-દસ હજાર રૂપિયા આપો! મેં આજે કીટ્ટી-પાર્ટી રાખી છે. અમે પણ આજે તીનપત્તી ઉપર હાથ અજમાવવાનાં છીએ.’

આસમાન ધૂંધવાઇ ઊઠ્યો, ‘તને કંઇ ભાન-બાન છે ખરું? અહીં હું બાજી ઉપર બાજી હારી રહ્યો છું, ત્યારે તું ખાતર ઉપર દીવો કરવા ઊભી થઇ છે? તીનપત્તીમાં હાથ નહીં, પણ નસીબ અજમાવાતું હોય છે એની ખબર છે તને?’આરઝૂ આઠ હજાર રૂપિયા પડાવીને જ જંપી. રાત્રે ખબર પડી કે આરઝૂ એની જિંદગીના આ પહેલી વારના જુગારમાં બધા રૂપિયા હારી ગઇ હતી. એ રાત્રે બેઠકમાંથી સમય ચોરીને પણ આસમાને પત્નીને ઝાટકી નાખી, ‘સાવ માથે પડી છે! એ તો વળી સારું થયું કે ભગવાને મારી સામે જોયું. છેલ્લે-છેલ્લે હું સતત વીસ બાજીઓ જીતી ગયો. એટલે વાંધો ન આવ્યો. બાકી મારું શું થાત એની હું કલ્પનાયે નથી કરી શકતો.’
કલ્પના કરવાની જરૂર ન પડી. ત્રણ દિવસના અંતે જ્યારે આસમાન હાર-જીતનો હિસાબ કરવા બેઠો ત્યારે એની ખુશીનો પાર ન રહ્યો. જન્માષ્ટમીના પવિત્ર તહેવારે એને પંદર હજાર કમાવી આપ્યા હતા. એણે આરઝૂને કહ્યું પણ ખરું, ‘જો, ડોબી, જો! આનું નામ તે આવડત! એકલા પગારમાં આ બધા તાગડધિન્ના ન પરવડે. થોડો ઘણો સાઇડ બિઝનેસ કરતાંયે આવડવો જોઇએ. ક્રિકેટનો સટ્ટો, જન્માષ્ટમીનો જુગાર અને શેરબજારની સૂઝ-સમજ..! તું તારે ટી.વીના વાનગી કાર્યક્રમો જોયા કર અને કિટ્ટી પાર્ટીઓમાં પૈસા વાપર્યા કર. સાવ માથે પડી…’

*** *** ***
એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે કે જ્યારે આફતો આવે છે ત્યારે એક સામટી આવે છે. આસમાન માટે આ સાચું પડ્યું. ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં એને પરસેવો ફૂટી નીકળ્યો. ક્રિકેટ, જુગાર અને શેરબજારમાં એણે એક્સાથે ‘ત્રિવેણી સ્નાન’ કરવું પડ્યું. ધોનીએ એને ચાલીસ હજારમાં ધોયો. ન્યૂ યર પાર્ટીના જુગારમાં એણે પચાસ હજાર ખોયા અને શેરબજારના આખલાએ એને દોઢ લાખનું શિંગડું ફટકાર્યું. એ રાત્રે આસમાન રડમસ હતો. એનો સાત-આઠ મહિનાનો પગાર હાથમાંથી સરકી ગયો હતો. આ ભયંકર આઘાતના સમયમાં એની પત્નીએ આવીને એના ખભા ઉપર હાથ મૂક્યો. આસમાને છાશિયું કર્યું, ‘શું છે તારે? પૈસા માગવા આવી છો?’

‘ના, પૈસા આપવા માટે આવી છું. મને તમારા રંગઢંગ જોઇને લાગતું જ હતું કે આવો દિવસ આવશે જ. એટલે તો હું શોપિંગ કે જુગારના બહાને તમારી પાસેથી પાંચ-દસ હજાર રૂપિયા સરકાવતી રહેતી હતી. છેલ્લાં ત્રણેક વરસમાં ત્રણ લાખ રૂપિયા મેં બચાવ્યા છે. મને લાગે છે કે અત્યારે એ પૂરતા થઇ પડશે.’ આરઝૂએ બચતની પોટલી પતિના હાથમાં મૂકી દીધી. આસમાન ઊભો થઇને એને વળગી પડ્યો, ‘આરઝૂ, મને માફ કરી દે! આજે મને સમજાયું કે મારી આરઝૂ મારા માથે નથી પડી. એ તો મારા હૃદયમાં વસવા યોગ્ય છે.’ અને એણે જે આલિંગન આપ્યું એ પેલી પોટલી કરતાં પણ વધારે કીંમતી હતું. 

(શીર્ષક પંક્તિ : બેફામ)


No comments: